અહીં ‘‘કલ્યાણ, પાપ અને ઉભય એ ત્રણને શાસ્ત્ર સાંભળીને જાણ’’, એમ કહ્યું. હવે
ઉભય તો પાપ અને કલ્યાણ મળતાં થાય, એવા કાર્યનું હોવું પણ ઠર્યું. ત્યાં અમે પૂછીએ
છીએ કે – કેવળ ધર્મથી તો ઉભય ઘટતું જ છે, પરંતુ કેવળ પાપથી ઉભય બૂરું છે કે ભલું?
જો બૂરું છે, તો એમાં તો કંઈક કલ્યાણનો અંશ મળેલો છે, તો તેને કેવળ પાપથી બૂરું કેમ
કહેવાય? તથા જો ભલું છે, તો કેવળ પાપ છોડી એવાં કાર્ય કરવાં યોગ્ય ઠર્યાં, વળી યુક્તિથી
પણ એમ જ સંભવે છે. કોઈ ત્યાગી મંદિરાદિ કરાવતો નથી, પણ સામાયિકાદિ નિરવદ્ય
કાર્યોમાં પ્રવર્તે છે, તો તેને છોડી તેણે પ્રતિમાદિ કરાવવા – પૂજનાદિ કરવું ઉચિત નથી, પરંતુ
કોઈ પોતાને રહેવા માટે મકાન બનાવે, તે કરતાં ચૈત્યાલયાદિ કરાવવાવાળો હીન નથી, હિંસા
તો થઈ પણ પેલાને તો લોભપાપાનુરાગની વૃદ્ધિ થઈ, ત્યારે આને લોભ છૂટ્યો અને ધર્માનુરાગ
થયો. વળી કોઈ વ્યાપારાદિ કાર્ય કરે છે, તે જેમાં નુકશાન થોડું અને નફો ઘણો હોય તેવું
જ કાર્ય કરે છે, તેમ જ પૂજનાદિ કાર્ય પણ જાણવા, એટલે કે કોઈ વ્યાપારાદિ કાર્ય કરે
તો તેનાથી પૂજનાદિ કાર્ય કરવાં હીણા નથી, કારણ કે – ત્યાં તો હિંસાદિક ઘણી થાય છે,
લોભાદિક વધે છે, તથા એ પાપની જ પ્રવૃત્તિ છે, અને અહીં હિંસાદિક કિંચિત્ થાય છે,
લોભાદિક ઘટે છે, તથા ધર્માનુરાગ વધે છે અથવા જે ત્યાગી ન હોય, પોતાના ધનને પાપમાં
ખરચતા હોય, તેમણે તો ચૈત્યાલયાદિ કરાવવાં યોગ્ય છે. તથા નિરવદ્ય સામાયિકાદિ કાર્યોમાં
ઉપયોગને ન લગાવી શકે, તેમને પૂજનાદિ કાર્ય કરવાનો નિષેધ નથી.
અહીં તમે કહેશો કે — ‘‘નિરવદ્ય સામાયિક આદિ કાર્ય જ કેમ ન કરીએ, ધર્મમાં જ
કાળ ગાળવો ત્યાં એવાં કાર્ય શા માટે કરીએ?’’
તેનો ઉત્તર — જો શરીરવડે પાપ છોડવાથી જ નિરવદ્યપણું થતું હોય તો એમ જ કરો,
પણ તેમ તો થતું નથી, પરિણામોથી પાપ છૂટતાં જ નિરવદ્યપણું થાય છે. હવે અવલંબન વિના
સામાયિકાદિકમાં જેનો પરિણામ ન લાગે, તે પૂજનાદિવડે ત્યાં પોતાનો ઉપયોગ લગાવે છે, અને
ત્યાં નાનાપ્રકારનાં અવલંબનવડે ઉપયોગ લાગી જાય છે. જો તે ત્યાં ઉપયોગ ન લગાવે, તો
પાપકાર્યોમાં ઉપયોગ ભટકે, અને તેથી બૂરું થાય, માટે ત્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે.
તમે કહો છો કે — ‘‘ધર્મના અર્થે હિંસા કરતાં તો મહાપાપ થાય છે, અને બીજા
ઠેકાણે હિંસા કરતાં થોડું પાપ થાય છે’’ પણ પ્રથમ તો એ સિદ્ધાંતનું વચન નથી, અને
યુક્તિથી પણ મળતું નથી. કારણ કે – એમ માનતાં તો ઇન્દ્ર જન્મકલ્યાણકમાં ઘણા જળવડે
અભિષેક કરે છે, તથા સમવસરણમાં દેવો પુષ્પવૃષ્ટિ, ચમર ઢાળવા ઇત્યાદિ કાર્ય કરે છે,
તો તે મહાપાપી થયો.
તમે કહેશો કે — ‘‘તેમનો એવો જ વ્યવહાર છે.’’ પણ ક્રિયાનું ફળ તો થયા વિના
રહેતું નથી. જો પાપ છે, તો ઇન્દ્રાદિક તો સમ્યગ્દ્રષ્ટિ છે, તેઓ એવું કાર્ય શા માટે કરે?
તથા જો ધર્મ છે, તો તેને નિષેધ શા માટે કરો છો?
૧૬૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક