દેખવાથી જેવો ભાવ થાય, તેવો પરોક્ષ સ્મરણ કરતાં ન થાય. લોકમાં પણ સ્ત્રીનો અનુરાગી
એટલા જ માટે સ્ત્રીનું ચિત્ર બનાવે છે. તેથી પ્રતિમાના અવલંબનવડે વિશેષ ભક્તિ થવાથી
વિશેષ શુભની પ્રાપ્તિ થાય છે.
અહીં કોઈ કહે કે – ‘‘પ્રતિમાને જુઓ, પણ પૂજનાદિ કરવાનું શું પ્રયોજન છે?’
ઉત્તરઃ — જેમ કોઈ, કોઈ જીવનો આકાર બનાવી રૌદ્રભાવોથી તેનો ઘાત કરે, તો તેને
તે જીવની હિંસા કરવા સરખું પાપ લાગે છે; વા કોઈ, કોઈનો આકાર બતાવી દ્વેષબુદ્ધિથી
તેની બૂરી અવસ્થા કરે, તો જેનો આકાર બનાવ્યો છે, તેની બૂરી અવસ્થા કરવા સરખું ફળ
નીપજે છે, તેમ અરહંતનો આકાર બનાવી ધર્માનુરાગબુદ્ધિથી તેનું પૂજનાદિ કરે તો અરહંતનું
પૂજનાદિ કરવા સમાન શુભભાવ ઉત્પન્ન થાય છે. તથા એવું જ ફળ થાય છે. અતિ અનુરાગ
થતાં, પ્રત્યક્ષ દર્શન ન હોવાથી તેનો આકાર બનાવી પૂજનાદિ કરીએ છીએ, અને એ
ધર્માનુરાગથી મહાપુણ્ય ઊપજે છે.
વળી તેઓ એવો કુતર્ક કરે છે કે જેને જે વસ્તુનો ત્યાગ હોય, તેની આગળ તે વસ્તુ
ધરવી, એ હાસ્ય કરવા જેવું છે. માટે ચંદનાદિવડે અરહંતનું પૂજન યુક્ત નથી.
તેનું સમાધાન — મુનિપદ લેતાં જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો, હવે પાછળથી
કેવળજ્ઞાન થતાં તીર્થંકરદેવને ઇંદ્રે સમવસરણાદિ બનાવ્યાં, છત્ર – ચામરાદિ કર્યાં તે હાસ્ય કર્યું
કે ભક્તિ કરી? જો હાસ્ય કર્યું તો ઇંદ્ર મહાપાપી થયો, પણ એ તો બને નહિ; તથા ભક્તિ
કરી, તો પૂજનાદિમાં પણ ભક્તિ જ કરીએ છીએ. છદ્મસ્થની આગળ ત્યાગ કરેલી વસ્તુ ધરવી
એ હાસ્ય છે, કારણ કે તેને વિક્ષિપ્તતા થઈ આવે છે, પણ કેવળી વા પ્રતિમાની આગળ
અનુરાગવડે ઉત્તમ વસ્તુ ધરવામાં દોષ નથી, કારણ કે – તેમને વિક્ષિપ્તતા થતી નથી, અને
ધર્માનુરાગથી જીવનનું ભલું થાય છે.
ત્યારે તે કહે છે કે – ‘‘પ્રતિમા બનાવવામાં, ચૈત્યાલયાદિ કરાવવામાં અને પૂજનાદિ
કરાવવામાં હિંસા થાય છે, અને ધર્મ તો અહિંસા છે, માટે હિંસાવડે ધર્મ માનવાથી મહાપાપ
થાય છે, તેથી અમે એ કાર્યોને નિષેધીએ છીએ.’’
તેનો ઉત્તરઃ — તેમનાં જ શાસ્ત્રોમાં એવું વચન છે કેઃ —
सुच्चा जाणइ कल्लाणं सुच्चा जाणइ पावगं ।
उभयं पि जाणए सुच्चा जं सेयं तं समाचर१ ।।
१.श्रुत्वा जानीहि कल्याणं, श्रुत्वा जानीहि पापम्,
उभयंपि जानीहि श्रुत्वा यत्सेव्यं तत्समाचर ।
અર્થઃ — કલ્યાણ (પુણ્ય) અને પાપને સાંભળીને જાણ તથા એ બંનેને સાંભળીને જાણ અને
એમાંથી જે સેવવા યોગ્ય હોય તેનું સેવન કર.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૬૩