આઠમો અધિકાર ][ ૩૦૯
બીજું, પ્રથમાનુયોગાદિનો અભ્યાસ કરવો કહ્યો ત્યાં પહેલાં આનો અભ્યાસ કરવો પછી
આનો અભ્યાસ કરવો, એવો કોઈ નિયમ નથી, પણ પોતાના પરિણામોની અવસ્થા જોઈ જેના
અભ્યાસથી પોતાને ધર્મમાં પ્રવૃત્તિ થાય તેનો જ અભ્યાસ કરવો. અથવા કોઈ વખત કોઈ
શાસ્ત્રનો તથા કોઈ વખત કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો. વળી જેમ રોજનામામાં તો અનેક રકમો
જ્યાં – ત્યાં લખી છે તેની તે તે ખાતામાં બરાબર ખતવણી કરે તો લેણા – દેણાનો નિશ્ચય થાય;
તેમ શાસ્ત્રમાં તો અનેક પ્રકારનો ઉપદેશ જ્યાં – ત્યાં આપ્યો છે પણ તેને સમ્યગ્જ્ઞાનમાં યથાર્થ
પ્રયોજનપૂર્વક ઓળખે તો હિત – અહિતનો નિશ્ચય થાય.
માટે સ્યાત્પદની સાપેક્ષતાસહિત સમ્યગ્જ્ઞાનવડે જે જીવ જિનવચનમાં રમે છે તે જીવ
થોડા જ વખતમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગમાં પ્રથમ ઉપાય આગમજ્ઞાન
કહ્યો છે, આગમજ્ઞાન વિના ધર્મનું સાધન થઈ શકે નહિ, માટે તમારે પણ યથાર્થ બુદ્ધિવડે
આગમનો અભ્યાસ કરવો, એથી તમારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્રમાં ઉપદેશનું સ્વરૂપ
પ્રતિપાદન કરવાવાળો આઠમો અધિકાર સમાપ્ત
❁