૩૩૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉત્તરઃ — અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થવાથી વા કુદેવાદિનું શ્રદ્ધાન દૂર થવાથી ગૃહીત-
મિથ્યાત્વનો અભાવ થાય છે એ અપેક્ષાએ તેને સમ્યગ્દ્રષ્ટિ કહ્યો છે, પણ સમ્યક્ત્વનું સર્વથા
લક્ષણ એ નથી, કારણ કે – દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહારધર્મના ધારક મિથ્યાદ્રષ્ટિઓને પણ
એવું શ્રદ્ધાન તો હોય છે.
અથવા જેમ અણુવ્રત, મહાવ્રત હોય છતાં દેશચારિત્ર, સકલચારિત્ર હોય વા ન હોય,
પરંતુ અણુવ્રત થયા વિના દેશચારિત્ર તથા મહાવ્રત થયા વિના સકલચારિત્ર કદી પણ હોય
નહિ, માટે એ વ્રતોને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને ચારિત્ર કહ્યું
છે; તેમ અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થતાં તો સમ્યક્ત્વ હોય વા ન હોય પરંતુ અરહંતાદિકના
શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ કદીપણ હોય નહિ, માટે અરિહંતાદિકના શ્રદ્ધાનને
અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે, અને
એટલા જ માટે તેનું નામ વ્યવહારસમ્યક્ત્વ છે.
અથવા જેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન અવશ્ય હોય
જ. તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અરહંતાદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તોપણ યથાવત્ સ્વરૂપની ઓળખાણ
સહિત શ્રદ્ધાન થાય નહિ, તથા જેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થ -
શ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અરહંતાદિના સ્વરૂપને ઓળખતાં જીવ – અજીવ – આસ્રવાદિની
ઓળખાણ થાય છે.
એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવી જાણી કોઈ ઠેકાણે અરહંતાદિના શ્રદ્ધાનને
સમ્યક્ત્વ કહ્યું છે.
પ્રશ્નઃ — નારકાદિ જીવોને દેવ – કુદેવાદિનો વ્યવહાર નથી છતાં તેમને સમ્યક્ત્વ
તો હોય છે; માટે સમ્યક્ત્વ થતાં અરહંતાદિનું શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ
સંભવતો નથી?
ઉત્તરઃ — સાત તત્ત્વોના શ્રદ્ધાનમાં અરહંતાદિનું શ્રદ્ધાન ગર્ભિત છે, કારણ કે —
તત્ત્વશ્રદ્ધાનમાં મોક્ષતત્ત્વને તે સર્વોત્કૃષ્ટ માને છે, હવે મોક્ષતત્ત્વ તો અરહંતસિદ્ધનું જ લક્ષણ
છે અને જે લક્ષણને ઉત્કૃષ્ટ માને છે, તે તેના લક્ષ્યને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને જ; તેથી તેમને
જ સર્વોત્કૃષ્ટ માન્યા પણ અન્યને ન માન્યા એ જ તેને દેવનું શ્રદ્ધાન થયું. વળી મોક્ષનું કારણ
સંવર – નિર્જરા છે તેથી તેને પણ તે ઉત્કૃષ્ટ માને છે અને સંવર – નિર્જરાના ધારક મુખ્યપણે
મુનિરાજ છે તેથી તે મુનિરાજને ઉત્તમ માને છે, પણ અન્યને ઉત્તમ માનતો નથી, એ જ
તેને ગુરુનું શ્રદ્ધાન થયું. બીજું રાગાદિરહિત ભાવનું નામ અહિંસા છે, તેને તે ઉપાદેય માને
છે, પણ અન્યને માનતો નથી, એ જ તેને ધર્મનું શ્રદ્ધાન થયું. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનમાં
અરહંતદેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત હોય છે અથવા જે નિમિત્તથી તેને તત્ત્વાર્થશ્રદ્ધાન થાય