નવમો અધિકાર ][ ૩૨૯
શ્રદ્ધાન વિના સ્વ – પરનું શ્રદ્ધાન વા કેવળ આત્માનું શ્રદ્ધાન કાર્યકારી પણ નથી કારણ કે —
(એવું) શ્રદ્ધાન કરો વા ન કરો ‘પોતે છે તે પોતે જ છે અને પર છે તે પર છે.’ વળી
આસ્રવાદિનું શ્રદ્ધાન હોય તો આસ્રવ – બંધનો અભાવ કરી સંવર – નિર્જરારૂપ ઉપાયથી મોક્ષપદને
પ્રાપ્ત કરે, તથા સ્વ – પરનું પણ શ્રદ્ધાન કરાવીએ છીએ તે એ જ પ્રયોજન અર્થે કરાવીએ છીએ;
માટે આસ્રવાદિકના શ્રદ્ધાનસહિત સ્વ – પરનું જાણવું વા સ્વનું જાણવું કાર્યકારી છે.
પ્રશ્નઃ — જો એમ છે તો શાસ્ત્રોમાં સ્વ – પરના શ્રદ્ધાનને વા કેવળ આત્માના
શ્રદ્ધાનને જ સમ્યક્ત્વ કહ્યું વા કાર્યકારી કહ્યું તથા નવ તત્ત્વની સંતતિ છોડી અમારે
તો એક આત્મા જ પ્રાપ્ત થાઓ, એમ કેમ કહ્યું છે?
ઉત્તરઃ — જેને સ્વ – પરનું વા આત્માનું સત્ય શ્રદ્ધાન હોય તેને સાતે તત્ત્વોનું શ્રદ્ધાન
અવશ્ય હોય જ, તથા જેને સાતે તત્ત્વોનું સત્યશ્રદ્ધાન હોય તેને સ્વ – પરનું વા આત્માનું શ્રદ્ધાન
અવશ્ય હોય જ. એવું પરસ્પર અવિનાભાવપણું જાણી સ્વ – પરના શ્રદ્ધાનને વા આત્મશ્રદ્ધાનને
જ સમ્યક્ત્વ કહ્યું છે.
પણ એ છળથી કોઈ સામાન્યપણે સ્વ – પરને જાણી વા આત્માને જાણી કૃતકૃત્યપણું માને
તો તેને ભ્રમ છે. કારણ કે એમ કહ્યું છે કે – निर्विशेषो हि सामान्यं ‘भवेत्खरविषाणवत्’ એનો અર્થ —
વિશેષરહિત સામાન્ય છે તે ગધેડાના શીંગડા સમાન છે. માટે પ્રયોજનભૂત આસ્રવાદિ
વિશેષોસહિત સ્વ – પરનું વા આત્માનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે; અથવા સાતે તત્ત્વાર્થોના શ્રદ્ધાનથી
જે રાગાદિક મટાડવા અર્થે પરદ્રવ્યોને ભિન્ન ચિંતવે છે, વા પોતાના આત્માને જ ચિંતવે છે તેને
પ્રયોજનની સિદ્ધિ થાય છે, તેથી મુખ્યપણે ભેદવિજ્ઞાનને વા આત્મજ્ઞાનને કાર્યકારી કહ્યું છે.
વળી તત્ત્વાર્થશ્રદ્ધાન કર્યા વિના સર્વ જાણવું કાર્યકારી નથી, કારણ કે — પ્રયોજન તો
રાગાદિ મટાડવાનું છે. હવે આસ્રવાદિના શ્રદ્ધાન વિના એ પ્રયોજન ભાસતું નથી ત્યારે કેવળ
જાણવાથી જ માનને વધારે છે, રાગાદિ છોડે નહિ, તો તેનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? બીજું
જ્યાં નવ તત્ત્વની સંતતિને છોડવાનું કહ્યું છે, ત્યાં પૂર્વે નવ તત્ત્વના વિચારવડે સમ્યગ્દર્શન થયું
અને પાછળથી નિર્વિકલ્પદશા થવા અર્થે નવ તત્ત્વોનો પણ વિકલ્પ છોડવાની ઇચ્છા કરી; પણ
જેને પહેલાં જ નવ તત્ત્વોનો વિચાર નથી તેને તે વિકલ્પો છોડવાનું શું પ્રયોજન છે? અન્ય
અનેક વિકલ્પો પોતાને થાય છે તેનો જ ત્યાગ કરો.
એ પ્રમાણે સ્વ – પરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં સાત તત્ત્વોના શ્રદ્ધાનની સાપેક્ષતા
હોય છે, માટે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યક્ત્વનું લક્ષણ છે.
પ્રશ્નઃ — ત્યારે કોઈ ઠેકાણે શાસ્ત્રોમાં અર્હંતદેવ, નિર્ગ્રંથગુરુ અને હિંસાદિરહિત
ધર્મના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે?