૩૩૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
જ્યાં સ્વ – પરની ભિન્નતા શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં જે વડે તત્ત્વાર્થશ્રદ્ધાનનું
પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. કારણ કે જીવ – અજીવના શ્રદ્ધાનનું
પ્રયોજન તો સ્વ – પરને ભિન્ન શ્રદ્ધાન કરવાં એ છે, અને આસ્રવાદિકના શ્રદ્ધાનનું પ્રયોજન
રાગાદિક છોડવા એ છે; એટલે સ્વ – પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં પરદ્રવ્યોમાં રાગાદિક ન
કરવાનું શ્રદ્ધાન થાય છે. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સ્વ – પરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ
થવું જાણી એ લક્ષણને કહ્યું છે.
તથા જ્યાં આત્મશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં સ્વ – પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો
એટલું જ છે કે – પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતાં પરનો પણ વિકલ્પ કાર્યકારી
નથી. એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે.
તથા જ્યાં દેવ – ગુરુ – ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્યસાધનની પ્રધાનતા કરી
છે, કારણ કે – અરહંતદેવાદિકનું શ્રદ્ધાન સાચા તત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે તથા કુદેવાદિકનું શ્રદ્ધાન
કલ્પિત તત્ત્વશ્રદ્ધાનનું કારણ છે, એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાન છોડાવી
સુદેવાદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ – ગુરુ – ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે.
એ પ્રમાણે જુદાં જુદાં પ્રયોજનની મુખ્યતા વડે જુદાં જુદાં લક્ષણ કહ્યાં છે.
પ્રશ્નઃ — એ ચાર લક્ષણો કહ્યાં તેમાં આ જીવ કયા લક્ષણને અંગીકાર કરે?
ઉત્તરઃ — જ્યાં મિથ્યાત્વકર્મનો ઉપશમાદિક થતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય છે
ત્યાં એ ચારે લક્ષણો એકસાથ હોય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્ત્વાર્થોને વિચારે
છે, કાં તો સ્વ – પરનું ભેદવિજ્ઞાન કરે છે, કાં તો આત્મસ્વરૂપનું જ સ્મરણ કરે છે અગર
કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો નાના પ્રકારના વિચાર હોય
છે, પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. જેમ – તત્ત્વવિચાર કરે છે તો
ભેદવિજ્ઞાનાદિકના અભિપ્રાયસહિત કરે છે, તથા ભેદવિજ્ઞાન કરે છે તો તત્ત્વવિચાર આદિના
અભિપ્રાયસહિત કરે છે; એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે. માટે
સમ્યગ્દ્રષ્ટિના શ્રદ્ધાનમાં ચારે લક્ષણોનો અંગીકાર છે.
પણ જેને મિથ્યાત્વનો ઉદય છે તેને વિપરીતાભિનિવેશ હોય છે, તેને એ લક્ષણો
આભાસમાત્ર હોય છે, સાચાં હોતાં નથી. તે જિનમતનાં જીવાદિતત્ત્વોને માને છે અન્યને માનતો
નથી તથા તેનાં નામ – ભેદાદિને શીખે છે; એ પ્રમાણે તેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે; પરંતુ તેને
યથાર્થ ભાવનું શ્રદ્ધાન હોતું નથી. વળી એ સ્વ – પરના ભિન્નપણાની વાતો કરે, ચિંતવન કરે,
પરંતુ જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તથા વસ્ત્રાદિકમાં પરબુદ્ધિ છે, તેવી આત્મામાં અહંબુદ્ધિ અને
શરીર આદિમાં પરબુદ્ધિ તેને હોતી નથી. તથા તે આત્માનું જિનવચનાનુસાર ચિંતવન કરે છે,