રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ][ ૩૫૧
મતિજ્ઞાન – શ્રુતજ્ઞાન તો પરોક્ષ પ્રમાણ છે; અવધિ, મનઃપર્યય અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ
છે. યથાઃ — ‘‘आद्ये परोक्षं, प्रत्यक्षमन्यत्’’ (तत्त्वार्थ सूत्र अ. १, सू. ११ – १२) એવું સૂત્રનું વચન
છે. તેમ જ તર્કશાસ્ત્રમાં પ્રત્યક્ષ – પરોક્ષનું આવું લક્ષણ કહ્યું છેઃ — ‘‘स्पष्टप्रतिभासात्मकं प्रत्यक्षमस्पष्टं
परोक्षम्’’।
જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળરૂપે સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ છે, અને જે
જ્ઞાન સારી રીતે સ્પષ્ટ ન જાણે તે પરોક્ષ છે; ત્યાં મતિજ્ઞાન – શ્રુતજ્ઞાનના વિષય તો ઘણા છે
પરંતુ એક પણ જ્ઞેયને સંપૂર્ણ જાણી શકતાં નથી તેથી તે પરોક્ષ છે. અવધિ – મનઃપર્યાયજ્ઞાનનો
વિષય થોડો છે તથાપિ તે પોતાના વિષયને સ્પષ્ટ સારી રીતે જાણે છે તેથી તે એકદેશપ્રત્યક્ષ
છે, અને કેવળજ્ઞાન સર્વ જ્ઞેયને પોતે સ્પષ્ટ જાણે છે તેથી સર્વપ્રત્યક્ષ છે.
વળી પ્રત્યક્ષના બે ભેદ છે – એક પરમાર્થ પ્રત્યક્ષ અને બીજો સાંવ્યવહારિક પ્રત્યક્ષ.
અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાન તો સ્પષ્ટ પ્રતિભાસરૂપ છે જ તેથી પારમાર્થિક પ્રત્યક્ષ છે,
અને નેત્રાદિવડે વર્ણાદિને જાણે છે, ત્યાં વ્યવહારથી એવું કહેવામાં આવે છે કે ‘તેણે વર્ણાદિક
પ્રત્યક્ષ જાણ્યા,’ એકદેશ નિર્મળતા પણ હોય છે તેથી તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહે છે; પરંતુ
જો એક વસ્તુમાં અનેક મિશ્ર વર્ણ છે તે નેત્ર દ્વારા સારી રીતે ગ્રહ્યા જતા નથી તેથી તેને
પરમાર્થ પ્રત્યક્ષ કહેવામાં આવતું નથી.
વળી પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ છેઃ — સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને
આગમ. તેનું સ્વરૂપઃ — ૧. પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તેને સ્મૃતિ કહે છે,
૨. દ્રષ્ટાંતવડે વસ્તુનો નિશ્ચય કરીએ તેને પ્રત્યભિજ્ઞાન કહે છે, ૩. હેતુના વિચારયુક્ત જે જ્ઞાન
તેને તર્ક કહે છે, ૪. હેતુથી સાધ્ય વસ્તુનું જે જ્ઞાન તેને અનુમાન કહે છે, તથા ૫. આગમથી
જે જ્ઞાન થાય તેને આગમ કહે છે.
એ પ્રમાણે પ્રત્યક્ષ – પરોક્ષ પ્રમાણના ભેદ કહ્યા છે.
ત્યાં આ સ્વાનુભવદશામાં આત્માને જાણીએ તે શ્રુતજ્ઞાનવડે જાણવામાં આવે છે. શ્રુતજ્ઞાન
મતિજ્ઞાનપૂર્વક જ છે, તે મતિજ્ઞાન – શ્રુતજ્ઞાન પરોક્ષ કહેલ છે તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ
હોતું નથી. વળી અવધિ – મનઃપર્યયનો વિષય રૂપી પદાર્થો જ છે; તથા કેવળજ્ઞાન છદ્મસ્થને છે
નહિ, તેથી અનુભવમાં કેવળજ્ઞાન વા અવધિ – મનઃપર્યયવડે આત્માનું જાણવું નથી. વળી અહીં
આત્માને સ્પષ્ટ સારી રીતે જાણતો નથી તેથી પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી.
તથા જેમ નેત્રાદિવડે વર્ણાદિક જાણવામાં આવે છે તેમ એકદેશ નિર્મળતાસહિત પણ
આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી તેથી સાંવ્યવહારિક પ્રત્યક્ષપણું પણ
સંભવતું નથી.
અહીં તો આગમ – અનુમાનાદિક પરોક્ષ જ્ઞાનવડે આત્માનો અનુભવ હોય છે.