૩૫૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે તેથી
તેને આગમ પરોક્ષપ્રમાણ કહીએ, અથવા ‘‘હું આત્મા જ છું કેમકે મારામાં જ્ઞાન છે, જ્યાં
જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા છે, જેમ કેઃ — સિદ્ધાદિક. વળી જ્યાં આત્મા નહિ ત્યાં જ્ઞાન પણ
નહિ જેમ કેઃ — મૃતક ક્લેવરાદિક.’’ એ પ્રમાણે અનુમાનવડે વસ્તુનો નિશ્ચય કરીને તેમાં
પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને અનુમાન પરોક્ષપ્રમાણ કહીએ, અથવા આગમ –
અનુમાનાદિવડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મગ્ન કરે છે
તેથી તેને સ્મૃતિ કહીએ. ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષપ્રમાણ વડે જ આત્માનું જાણવું
હોય છે, ત્યાં પ્રથમ જાણવું થાય છે, પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય
છે, પરિણામ મગ્ન થતાં કંઈ વિશેષ જાણપણું હોતું નથી.
પ્રશ્નઃ — જો સવિકલ્પ – નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો
અધિક આનંદ કેમ થાય?
સમાધાનઃ — સવિકલ્પદશામાં જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવારૂપે પ્રવર્તતું હતું, નિર્વિકલ્પ-
દશામાં માત્ર આત્માને જ જાણવામાં પ્રવર્તે છે, એક તો એ વિશેષતા છે; બીજી એ વિશેષતા
છે કે જે પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા તે માત્ર સ્વરૂપમાં જ તાદાત્મ્યરૂપ થઈ
પ્રવર્ત્યા, બીજી એ વિશેષતા થઈ.
એવી વિશેષતાઓ થતાં કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ થાય છે કે વિષયસેવનમાં
તેની જાતિનો અંશ પણ નથી, તેથી એ આનંદને અતીન્દ્રિય કહે છે.
પ્રશ્નઃ — અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે તો ગ્રંથોમાં અનુભવને
પ્રત્યક્ષ કેમ કહ્યો છે? ઉપરની ગાથામાં જ કહ્યું છે કેઃ — ‘‘पच्चक्खो अणुहवो
जम्हा’’ તે કેમ છે?
સમાધાનઃ — અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશનો આકાર
તો ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ
છે. સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ – અનુમાનાદિક પરોક્ષ પ્રમાણાદિવડે જણાતો નથી. પોતે જ
અનુભવના રસાસ્વાદને વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરનાં
આકારાદિ તો પરોક્ષ છે, પણ જીભવડે જે સ્વાદ લીધો તે સ્વાદ પ્રત્યક્ષ છે, એમ સ્વાનુભવમાં
આત્મા પરોક્ષ છે, જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ પ્રત્યક્ષ છે – એમ જાણવું.
અથવા જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. જેમ લોકોમાં કહીએ છીએ
કે – ‘અમે સ્વપ્નામાં વા ધ્યાનમાં ફલાણા પુરુષને પ્રત્યક્ષ દીઠો;’ ત્યાં તેને પ્રત્યક્ષ દીઠો નથી,
પરંતુ પ્રત્યક્ષ માફક પ્રત્યક્ષવત્ (તે પુરુષને) યથાર્થ દેખ્યો તેથી તેને પ્રત્યક્ષ કહીએ; તેમ