૩૫૬ ]
પરિશિષ્ટ ૩
પરમાર્થવચનિકા
[કવિવર પં૦ બનારસીદાસજી રચિત]
એક જીવ દ્રવ્ય, તેના અનંત ગુણ, અનંત પર્યાય, એક એક ગુણના અસંખ્યાત પ્રદેશ,
એક એક પ્રદેશવિષે અનંત કર્મવર્ગણા, એક એક કર્મવર્ગણાવિષે અનંત – અનંત પુદ્ગલપરમાણુ,
એક એક પુદ્ગલપરમાણુ અનંત ગુણ, અનંત પર્યાયસહિત વિરાજમાન છે.
આ પ્રમાણે એક સંસારાવસ્થિત જીવપિંડની અવસ્થા છે; એ જ પ્રમાણે અનંત જીવદ્રવ્ય
સપિંડરૂપ જાણવા. એક જીવદ્રવ્ય અનંત અનંત પુદ્ગલદ્રવ્યથી સંયોગિત (સંયુક્ત) માનવું.
તેનું વિવરણઃ — જુદા જુદા રૂપે જીવદ્રવ્યની પરિણતિ તથા જુદા જુદા રૂપે
પુદ્ગલદ્રવ્યની પરિણતિ છે.
તેનું વિવરણઃ — એક જીવદ્રવ્ય જે પ્રકારની અવસ્થાસહિત નાના આકારરૂપ પરિણમે
તે પ્રકાર અન્ય જીવથી મળતો આવે નહિ; તેનો બીજો પ્રકાર છે. (અર્થાત્ અન્ય જીવનું તેનાથી
અન્ય અવસ્થારૂપ પરિણમન હોય.) એ પ્રમાણે અનંતાનંતસ્વરૂપ જીવદ્રવ્ય અનંતાનંતસ્વરૂપ
અવસ્થાસહિત વર્તી રહ્યાં છે. કોઈ જીવદ્રવ્યના પરિણામ કોઈપણ અન્ય જીવદ્રવ્યથી મળતા આવે
નહિ. એ જ પ્રમાણે એક પુદ્ગલપરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે
અવસ્થા અન્ય પુદ્ગલપરમાણુ દ્રવ્યથી મળતી આવે નહિ. તેથી પુદ્ગલ (પરમાણુ) દ્રવ્યની પણ
અન્યઅન્યતા જાણવી.
હવે જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય એકક્ષેત્રાવગાહી અનાદિકાળથી છે; તેમાં વિશેષ એટલું કે
જીવદ્રવ્ય એક અને પુદ્ગલપરમાણુ દ્રવ્ય અનંતાનંત, ચલાચલરૂપ, આગમનગમનરૂપ, અનંતાકાર
પરિણમનરૂપ, બંધ-મુક્તિશક્તિસહિત વર્તે છે.
હવે જીવદ્રવ્યની અનંતી અવસ્થા; તેમાં ત્રણ અવસ્થા મુખ્ય સ્થાપી. એક અશુદ્ધઅવસ્થા,
બીજી શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રઅવસ્થા તથા ત્રીજી શુદ્ધઅવસ્થા. એ ત્રણે અવસ્થા સંસારી જીવદ્રવ્યની
જાણવી. સંસારાતીત સિદ્ધને અનવસ્થિતરૂપ કહીએ છીએ.
— હવે ત્રણે અવસ્થા સંબંધી વિચારઃ — એક અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય, બીજું
મિશ્રનિશ્ચયાત્મક દ્રવ્ય અને ત્રીજું શુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય છે. અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી
અશુદ્ધવ્યવહાર છે; મિશ્રનિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી મિશ્રવ્યવહાર છે; તથા શુદ્ધનિશ્ચયાત્મક
દ્રવ્યને સહકારી શુદ્ધવ્યવહાર છે.