૩૫૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
આગમ – અધયાત્મનું સ્વરુપ
વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ, આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ
કહીએ છીએ. આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવ આત્મદ્રવ્યના જાણવા. તે બન્ને ભાવ
સંસારઅવસ્થાવિષે ત્રિકાલવર્તી માનવા.
તેનું વિવરણઃ — આગમરૂપ કર્મપદ્ધતિ છે; અધ્યાત્મસ્વરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે.
તેનું વિવેચનઃ — કર્મપદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો
પુદ્ગલના પરિણામ છે. ભાવરૂપ પુદ્ગલાકાર આત્માની અશુદ્ધપરિણતિરૂપ પરિણામ છે; — તે
બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યા. હવે શુદ્ધચેતનાપદ્ધતિ — શુદ્ધાત્મપરિણામ, તે પણ દ્રવ્યરૂપ તથા
ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવત્વપરિણામ છે; તથા ભાવરૂપ જ્ઞાન, દર્શન, સુખ,
વીર્ય આદિ અનંતગુણપરિણામ છે. એ બન્ને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.
એ આગમ તથા અધ્યાત્મ બન્ને પદ્ધતિમાં અનંતતા માનવી.
અનંતતા કહી તેનો વિચાર
અનંતતાનું સ્વરૂપ દ્રષ્ટાંતવડે દર્શાવે છે, જેમકેઃ — વડના ઝાડનું એક બીજ હાથમાં લેવું,
તે ઉપર દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરે તો તે વડના બીજમાં એક વડનું ઝાડ છે, ભાવિકાળમાં જેવું
થનાર છે તેવા વિસ્તારસહિત તે વૃક્ષનું વાસ્તવ્ય સ્વરૂપ વિદ્યમાન બીજમાં છતું છે. અનેક શાખા,
પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળયુક્ત છે. તેના પ્રત્યેક ફળમાં એવાં અનેક બીજ છે.
એ પ્રકારની અવસ્થા એક વડના બીજ સંબંધી વિચારીએ. વળી ફરી સૂક્ષ્મદ્રષ્ટિથી
જોઈએ તો તે વડના વૃક્ષમાં જે જે બીજો છે તે તે બીજો (એવાં બીજાં) અંતર્ગર્ભિત
વડવૃક્ષસંયુક્ત હોય છે. એ જ રીતે એક વડમાં અનેક અનેક બીજ અને એકેક બીજમાં એકેક
વડવૃક્ષ છે. તેનો (દીર્ઘ) વિચાર કરીએ તો ભાવિનયપ્રમાણથી ન વડવૃક્ષની મર્યાદા પમાય કે
ન બીજની મર્યાદા પમાય.
એ પ્રમાણે અનંતતાનું સ્વરૂપ જાણવું.
તે અનંતતાના સ્વરૂપને કેવળજ્ઞાની પુરુષ પણ અનંત જ દેખે, જાણે, કહે; અનંતનો બીજો
અંત છે જ નહિ કે જે જ્ઞાનમાં (અંતરૂપે) ભાસે. તેથી અનંતતા અનંતરૂપ જ પ્રતિભાસે છે.
એ પ્રમાણે આગમ, અધ્યાત્મની અનંતતા જાણવી.
તેમાં વિશેષ એટલું કે અધ્યાત્મનું સ્વરૂપ અનંત છે અને આગમનું સ્વરૂપ અનંતાનંતરૂપ
છે. કારણ કે યથાર્થ પ્રમાણથી અધ્યાત્મ એક દ્રવ્યાશ્રિત, અને આગમ અનંતાનંત પુદ્ગલ-
દ્રવ્યાશ્રિત છે.