આયુકર્મના ઉદયથી એ એકેન્દ્રિય જીવોમાં જે અપર્યાપ્ત જીવો છે તેમના પર્યાયની સ્થિતિ
તો એક ઉચ્છ્વાસના અઢારમા ભાગમાત્ર જ છે અને પર્યાપ્ત જીવોની સ્થિતિ એક અંતર્મુહૂર્ત
આદિ કેટલાંક વર્ષ સુધીની છે. તેમને આયુષ્ય થોડું હોવાથી જન્મ-મરણ થયાં જ કરે છે, જેથી
તેઓ દુઃખી છે.
નામકર્મના ઉદયમાં તિર્યંચગતિ આદિ પાપ – પ્રકૃતિઓનો જ ઉદય વિશેષપણે તેમને હોય
છે. કોઈક હીન પુણ્ય – પ્રકૃતિનો ઉદય તેમને હોય પણ તેનું બળવાનપણું નથી તેથી એ વડે કરીને
મોહવશપણે તેઓ દુઃખી થાય છે.
ગોત્રકર્મમાં માત્ર એક નીચ ગોત્રનો જ તેમને ઉદય છે, તેથી તેમની મહત્તા કાંઈ થતી
નથી; તેથી પણ તેઓ દુઃખી જ છે.
એ પ્રમાણે એકેન્દ્રિય જીવો મહાદુઃખી છે. આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય
તો ત્યાં ઘણો કાળ રહે છે પણ નિરાધાર આકાશમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે;
તેમ આ જીવ એકેન્દ્રિય પર્યાયમાં તો ઘણો કાળ રહે છે, પણ અન્ય પર્યાયમાં કદાચિત્
કિંચિત્માત્ર કાળ રહે છે. માટે આ જીવ સંસાર-અવસ્થામાં મહાદુઃખી છે.
✾ વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયનાં દુઃખ ✾
વળી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયોને જીવ ધારણ કરે
છે. ત્યાં પણ એકેન્દ્રિય પર્યાય જેવાં જ દુઃખ હોય છે. વિશેષમાં એટલું કે — અહીં ક્રમપૂર્વક
એક એક ઇન્દ્રિયજનિત જ્ઞાન – દર્શનની વા કંઈક શક્તિની અધિકતા થઈ છે તથા બોલવા –
ચાલવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ છે. તેમાં પણ જે અપર્યાપ્ત છે વા પર્યાપ્ત છતાં પણ હીનશક્તિના
ધારક નાના જીવો છે તેમની શક્તિ તો પ્રગટ થતી નથી, પણ કેટલાક પર્યાપ્ત અને ઘણી શક્તિના
ધારક મોટા જીવો છે તેમની શક્તિ પ્રગટ હોય છે. તેથી તે જીવો વિષયોને પ્રાપ્ત કરવાનો તથા
દુઃખ દૂર થવાનો ઉપાય કરે છે. ક્રોધાદિકથી કાપવું, મારવું, લડવું, છળ કરવો, અન્નાદિકનો
સંગ્રહ કરવો, ભાગી જવું, દુઃખથી તડફડાટ કરવો અને પોકાર કરવો ઇત્યાદિ કાર્ય તેઓ કરે
છે, માટે તેમનાં દુઃખ કંઈક પ્રગટ પણ થાય છે. લટ, કીડી વગેરે જીવોને શીત, ઉષ્ણ, છેદન,
ભેદન વા ભૂખ
– તરસ આદિ વડે પરમ દુઃખી જોઈએ છીએ. એ સિવાય બીજાં દુઃખો પણ
જે પ્રત્યક્ષ દેખાય છે તેનો વિચાર વાચકે કરી લેવો. અહીં વધારે શું લખીએ?
એ પ્રમાણે બેઇન્દ્રિયાદિ જીવો પણ મહાદુઃખી જાણવા.
✾ નરક અવસ્થાનાં દુઃખોનું વર્ણન ✾
સંજ્ઞી પંચેન્દ્રિયોમાં નરકના જીવો છે તે તો સર્વ પ્રકારે મહાદુઃખી છે. તેમનામાં
જ્ઞાનાદિકની શક્તિ કંઈક છે, પણ વિષયોની ઇચ્છા ઘણી હોવાથી તથા ઇષ્ટ વિષયોની સામગ્રી
૬૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
9