અધિકાર ચોથો
મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્રનું વિશેષ નિરુપણ
– દોહરો –
ભવનાં સર્વ દુઃખોતણું, કારણ મિથ્યાભાવ;
તેની સત્તા નાશ કરે, પ્રગટે મોક્ષ ઉપાય.
હવે અહીં સંસારદુઃખોના બીજભૂત મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્ર છે તેનું વિશેષ સ્વરૂપ
નિરૂપણ કરીએ છીએ. જેમ વૈદ્ય રોગનાં કારણોને વિશેષરૂપથી કહે તથા કુપથ્ય સેવનનો નિષેધ
કરે તો રોગી કુપથ્યસેવન ન કરે અને તેથી રોગમુક્ત થાય; તેમ અહીં સંસારનાં કારણનું વિશેષ
નિરૂપણ કરીએ છીએ. જ્યારે સંસારીજીવ મિથ્યાદર્શનાદિકનું સેવન ન કરે, ત્યારે જ સંસારરહિત
થાય. તેથી એ મિથ્યાદર્શનાદિકનું વર્ણન કરીએ છીએ.
✾ મિથ્યાદર્શનનું સ્વરુપ ✾
આ જીવ અનાદિ કાળથી કર્મસંબંધ સહિત છે. તેને દર્શનમોહના ઉદયથી થયેલું જે
અતત્ત્વશ્રદ્ધાન તેનું નામ મિથ્યાદર્શન છે. કારણ કે તદ્ભાવ તે તત્ત્વ અર્થાત્ શ્રદ્ધાન કરવા યોગ્ય
જે અર્થ તેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેનું નામ તત્ત્વ છે. અને તત્ત્વ નથી તેનું નામ અતત્ત્વ
છે. તેથી અતત્ત્વ તે અસત્ય છે તેનું જ નામ મિથ્યા છે. વળી ‘‘આ આમ જ છે’’ — એવા
પ્રતીતિભાવનું નામ શ્રદ્ધાન છે.
અહીં શ્રદ્ધાનનું જ નામ દર્શન છે. જોકે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય
છે તોપણ અહીં પ્રકરણાનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો, અને શ્રી સર્વાર્થસિદ્ધિ
સૂત્રની ટીકામાં પણ એમ જ કહ્યું છે. કારણ કે – સામાન્ય અવલોકન કાંઈ સંસાર – મોક્ષનું કારણ
થાય નહિ, પણ શ્રદ્ધાન જ સંસાર – મોક્ષનું કારણ છે. તેથી સંસાર – મોક્ષના કારણ સંબંધી
વિવેચનમાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધાન જ ગ્રહણ કરવો.
હવે મિથ્યારૂપ જે દર્શન અર્થાત્ શ્રદ્ધાન તેનું નામ મિથ્યાદર્શન છે. જેવું વસ્તુસ્વરૂપ
નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું એવો વિપરીતાભિનિવેશ અર્થાત્ વિપરીત અભિપ્રાય
તે સહિત મિથ્યાદર્શન હોય છે.
પ્રશ્નઃ — કેવળજ્ઞાન વિના સર્વ પદાર્થ યથાર્થ ભાસતા નથી અને યથાર્થ ભાસ્યા
વિના યથાર્થ શ્રદ્ધાન પણ ન હોય, તો મિથ્યાદર્શનનો ત્યાગ કેવી રીતે બને?
૭૮ ]