અ. ૧. સૂત્ર ૧૪] [૪પ
[निमित्तम्] નિમિત્ત છે.
ઇન્દ્રિય–આત્મા (ઇન્દ્ર=આત્મા) પરમ ઐશ્વર્યરૂપ પ્રવર્તે છે. એમ અનુમાન કરાવનારું શરીરનું ચિહ્ન.
નોઇન્દ્રિય–મન; જે સૂક્ષ્મ પુદ્ગલસ્કંધ મનોવર્ગણા નામથી ઓળખાય છે તેનું બનેલું શરીરનું અંતરંગનું અંગ, તે આઠ પાંખડીના કમળના આકારે હૃદયસ્થાન પાસે છે.
મતિજ્ઞાન થવામાં ઇન્દ્રિય-મન નિમિત્ત થાય છે એમ આ સૂત્રમાં કહ્યું છે, તે પરદ્રવ્યોના થતા જ્ઞાનની અપેક્ષાએ કહ્યું છે એમ સમજવું. અંદર સ્વલક્ષમાં મન- ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી (મન-ઇન્દ્રિયના અવલંબનથી) અંશે જુદો પડે ત્યારે સ્વતંત્રતત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. [સમયસાર-પ્રવચનો ભાગ ૧ પાનું-પ૧૩]
ઇન્દ્રિયોનો ધર્મ તો એ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણને જાણવામાં નિમિત્ત થાય; આત્મામાં તે નથી તેથી સ્વલક્ષમાં ઇન્દ્રિયો નિમિત્ત નથી. મનનો ધર્મ એ છે કે- અનેક વિકલ્પમાં તે નિમિત્ત થાય, તે વિકલ્પ પણ અહીં (સ્વલક્ષમાં) નથી. જે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા તથા મનદ્વારા પ્રવર્તતું તે જ જ્ઞાન નિજઅનુભવમાં વર્તે છે; એ રીતે આ મતિજ્ઞાનમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. આ જ્ઞાન અતીન્દ્રિય છે. મનનો વિષય મૂર્તિક-અમૂર્તિક પદાર્થો છે તેથી મન સંબંધી પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ અન્ય ચિંતવનનો નિરોધ કરે છે એ કારણે તેને (ઉપચારથી) મનદ્વારા થયું કહેવામાં આવે છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૪પ-૩૪૬] આવો અનુભવ ચોથા ગુણસ્થાનથી જ થાય છે. [મો. મા. પ્ર. પાનું-૩૪૯]
આ સૂત્રમાં મતિજ્ઞાનને ઇન્દ્રિય-મન નિમિત્ત છે એમ જણાવ્યું છે, પણ મતિજ્ઞાનમાં જણાતા અર્થ (વસ્તુ) અને પ્રકાશ (અજવાળું, આલોક) ને નિમિત્ત કહ્યાં નથી; તેનું કારણ એ છે કે અર્થ અને પ્રકાશ મતિજ્ઞાનમાં નિમિત્ત નથી. તેમને નિમિત્ત માનવાં એ ભૂલ છે. આ વિષય ખાસ સમજવા જેવો હોવાથી તે શ્રી પ્રમેયરત્નમાળા હિંદી પાનું પ૦ થી પપ માંથી અહીં ટૂંકમાં આપવામાં આવે છેઃ-