૪૪] [મોક્ષશાસ્ત્ર
સ્મૃતિઃ– પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું વર્તમાનમાં સ્મરણ આવે તે સ્મૃતિ છે.
સંજ્ઞાઃ– તેનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં ‘આ પદાર્થ તે જ છે કે જેને પહેલાં જોયો હતો,’ એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે.
ચિંતાઃ– ચિંતવન જ્ઞાન અર્થાત્ કોઈ ચિહ્નને દેખીને ‘અહીં તે ચિહ્નવાળો જરૂર હોવો જોઈએ’ એવો વિચાર તે ચિંતા છે. આ જ્ઞાનને ઊહ, ઊહા, તર્ક અથવા વ્યાપ્તિજ્ઞાન પણ કહે છે.
અભિનિબોધઃ– સ્વાર્થાનુમાન-અનુમાન એ તેનાં બીજા નામ છે. સન્મુખ ચિહ્નાદિ દેખી તે ચિહ્નવાળા પદાર્થનો નિર્ણય કરવો તે ‘અભિનિબોધ’ છે.
જોકે આ બધાનો અર્થભેદ છે પણ પ્રસિદ્ધ રૂઢિના બળથી તે મતિના નામાંતર કહેવાય છે. તે બધાંના પ્રગટ થવામાં મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ નિમિત્તમાત્ર છે, તે લક્ષમાં રાખી તેને મતિજ્ઞાનનાં નામાંતર કહેવામાં આવે છે.
આ સૂત્ર સિદ્ધ કરે છે કે જેણે આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર્યું ન હોય તે આત્માનું સ્મરણ કરી શકે નહિ; કેમકે સ્મૃતિ તો પૂર્વે અનુભવેલા પદાર્થની જ હોય છે તેથી અજ્ઞાનીને પ્રભુસ્મરણ (આત્મસ્મરણ) હોતું જ નથી; પરંતુ ‘રાગ મારો’ એવી પક્કડનું સ્મરણ હોય છે કેમકે તેનો તેને અનુભવ છે. એ રીતે અજ્ઞાની ધર્મના નામે ગમે તે કાર્યો કરે તોપણ તેનું જ્ઞાન મિથ્યા હોવાથી તેને ધર્મનું સ્મરણ થતું નથી પણ રાગની પક્કડનું સ્મરણ થાય છે.
સંવેદન, બુદ્ધિ, મેધા, પ્રતિભા, પ્રજ્ઞા એ વગેરે પણ મતિજ્ઞાનના ભેદો છે. સ્વસંવેદનઃ– સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન તે સ્વસંવેદન છે. બુદ્ધિઃ– બોધનમાત્રપણું તે બુદ્ધિ છે, બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એ મતિજ્ઞાનની તારતમ્યતા (હીન-અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે.
અનુમાન બે પ્રકારના છે. એક મતિજ્ઞાનનો ભેદ છે, બીજો શ્રુતજ્ઞાનનો ભેદ છે. સાધન દેખતાં પોતાથી સાધ્યનું જ્ઞાન થવું તે મતિજ્ઞાન છે. બીજાના હેતુ અને તર્કના વાક્ય સાંભળીને જે અનુમાનજ્ઞાન થાય તે શ્રુતઅનુમાન છે; ચિહ્નાદિ ઉપરથી તે જ પદાર્થનું અનુમાન થવું તે મતિજ્ઞાન છે, અને ચિહ્નાદિ ઉપરથી બીજા પદાર્થનું અનુમાન થવું તે શ્રુતજ્ઞાન છે.