અ. ૧. સૂત્ર ૧૪] [૪૭
જે જ્ઞાનની ક્ષયોપશમલક્ષણયોગ્યતા છે તે જ વિષય પ્રત્યે નિયમરૂપ જ્ઞાન થવાનું કારણ છે-એમ સમજવું. [સૂત્ર ૯]
જ્યારે આત્માને મતિજ્ઞાન થાય છે ત્યારે ઇન્દ્રિય અને મન એ બન્ને નિમિત્તમાત્ર છે, તે માત્ર એટલું બતાવે છે કે ‘આત્મા’ ઉપાદાન છે. નિમિત્ત પોતામાં (નિમિત્તમાં) સોએ સો ટકા કાર્ય કરે છે પણ ઉપાદાનમાં તે અંશમાત્ર કાર્ય કરતું નથી. નિમિત્ત પર દ્રવ્ય છે, આત્મા તેનાથી જુદું દ્રવ્ય છે; તેથી આત્મામાં (ઉપાદાનમાં) તેનો (નિમિત્તનો) અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના ક્ષેત્રમાં પેસી શકતું નથી, તેથી નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શકે નહિ; ઉપાદાન પોતામાં પોતાનું કાર્ય પોતાથી સોએ સો ટકા કરે છે. મતિજ્ઞાન તે પરોક્ષજ્ઞાન છે એમ ૧૧ મા સૂત્રમાં કહ્યું છે;-પરોક્ષજ્ઞાન હોવાથી તે જ્ઞાન વખતે નિમિત્તની પોતાથી પોતાને કારણે હાજરી હોય છે. તે હાજર રહેલું નિમિત્ત કેવા પ્રકારનું હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે આ સૂત્ર કહ્યું છે, પણ ‘નિમિત્ત આત્મામાં કાંઈ પણ કરી શકે છે’ એમ બતાવવા આ સૂત્ર કહ્યું નથી. જો નિમિત્ત આત્મામાં કાંઈ કરતું હોય તો નિમિત્ત પોતે જ ઉપાદાન થઈ જાય.
વળી ‘નિમિત્ત’ એ પણ ઉપાદાનને કારણે માત્ર આરોપ છે; જો જીવ ચક્ષુ દ્વારા જ્ઞાન કરે તો ચક્ષુ ઉપર નિમિત્તનો આરોપ આવે, અને જો જીવ બીજી ઇન્દ્રીય કે મન દ્વારા જ્ઞાન કરે તો તેના ઉપર નિમિત્તનો આરોપ આવે.
એક દ્રવ્ય પરમાં અકિંચિત્કર છે અર્થાત્ કાંઈ કરી શકતું નથી. અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ છે જ નહિ; અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના પર્યાયનો ઉત્પાદક છે જ નહિ; કેમકે દરેક વસ્તુ પોતાના અંતરંગમાં અત્યંત (સંપૂર્ણ) પ્રકાશે છે, પરમાં લેશમાત્ર નહિ; તેથી નિમિત્તભૂત વસ્તુ ઉપાદાનભૂત વસ્તુને કાંઈ કરી શકે નહિ. ઉપાદાનમાં નિમિત્તની દ્રવ્યે-ક્ષેત્રે-કાળે અને ભાવે નાસ્તિ છે, અને નિમિત્તમાં ઉપાદાનની દ્રવ્યે-ક્ષેત્રે-કાળે અને ભાવે નાસ્તિ છે; એટલે એકબીજાનું શું કરી શકે? જો એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરે તો વસ્તુ પોતાનું વસ્તુપણું જ ખોઈ બેસે પણ તેમ બને જ નહિ.
ટીકામાં નિમિત્ત-ઉપાદાન સંબંધી ખુલાસો કર્યો છે માટે ત્યાંથી વાંચી સમજી લેવો.