Moksha Shastra (Gujarati). Prastavna (gujarati tika).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 710

 

મોક્ષશાસ્ત્ર–ગુજરાતી ટીકા
પ્રસ્તાવના
(૧) શાસ્ત્રના કર્તા તથા શાસ્ત્રની ટીકાઓ

આ મોક્ષશાસ્ત્રના કર્તા ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના તેઓ મુખ્ય શિષ્ય હતા અને તેઓ ‘શ્રી ઉમાસ્વાતિ’ નામથી પણ ઓળખાય છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પછી તેઓશ્રી આચાર્યપદે બિરાજમાન થયા હતા. તેઓશ્રી વિક્રમ સંવતના બીજા સૈકામાં થઈ ગયા છે.

જૈન સમાજમાં આ શાસ્ત્ર અત્યંત પ્રસિદ્ધ છે. આની એક એ વિશેષતા છે કે જૈન આગમોમાં સંસ્કૃત ભાષામાં સર્વ પ્રથમ આ શાસ્ત્ર રચાયું છે; આ શાસ્ત્ર ઉપર શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી અકલંકસ્વામી અને શ્રી વિદ્યાનંદીસ્વામી જેવા સમર્થ આચાર્યદેવોએ વિસ્તૃત ટીકાની રચના કરી છે. શ્રી સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શ્લોકવાર્તિક, અર્થપ્રકાશિકા આદિ ગ્રંથો આ શાસ્ત્ર ઉપરની જ ટીકાઓ છે. બાળકથી માંડીને મહાપંડિત એ સર્વેને આ શાસ્ત્ર ઉપયોગી છે. આ શાસ્ત્રની રચના ઘણી જ આકર્ષક છે, ઘણા અલ્પ શબ્દોમાં દરેક સૂત્રની રચના છે અને તે સૂત્રો સહેલાઈથી યાદ રાખી શકાય તેવાં છે. ઘણા જૈનો તેના સૂત્રો મોઢે કરે છે. જૈન પાઠશાળાઓના પાઠય-પુસ્તકોમાં આ એક મુખ્ય છે. હિંદીમાં આ શાસ્ત્રની ઘણી આવૃત્તિઓ છપાઈ ગઈ છે.

(૨) શાસ્ત્રના નામની સાર્થક્તા

આ શાસ્ત્રમાં પ્રયોજનભૂત તત્ત્વોનું વર્ણન ઘણી જ ખૂબીથી આચાર્યભગવાને ભરી દીધું છે. પથભ્રાન્ત સંસારી જીવોને આચાર્યદેવે મોક્ષનો માર્ગ દર્શાવ્યો છે; શરૂઆતમાં જ ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે’ એમ જણાવીને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું વર્ણન કર્યું છે. એ રીતે મોક્ષમાર્ગનું પ્રરૂપણ હોવાથી આ શાસ્ત્ર ‘મોક્ષશાસ્ત્ર’ નામથી ઓળખાય છે. તેમ જ આમાં જીવ-અજીવાદિ સાત તત્ત્વોનું વર્ણન હોવાથી તત્ત્વાર્થસૂત્ર નામથી પણ આ શાસ્ત્ર પ્રસિદ્ધ છે.

(૩) શાસ્ત્રના વિષયો

આ શાસ્ત્ર કુલ ૧૦ અધ્યાયોમાં વિભક્ત છે અને તેમાં કુલ ૩પ૭ સૂત્રો છે. પહેલા અધ્યાયમાં ૩૩ સૂત્રો છે; તેમાં પહેલા જ સૂત્રમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર