નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. શ્રી સમયસાર કલશ ૧૭૩ માં પણ એ જ કહ્યું છે કે-‘જેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધાય છોડવા એવું શ્રી જિનદેવે કહ્યું છે, તેથી હું (-આચાર્યદેવ) એમ માનું છું કે-જે પરાશ્રિત વ્યવહાર તે સઘળોય છોડાવ્યો છે; તો સત્પુરુષ એક નિશ્ચયને જ ભલા પ્રકારે નિશ્ચયપણે અંગીકાર કરી શુદ્ધજ્ઞાનઘનરૂપ પોતાના મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી? (ભાવાર્થ-) અહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે, માટે નિશ્ચયને અંગીકાર કરી નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે. વળી અષ્ટપ્રાભૃતમાં મોક્ષપ્રાભૃતની ૩૧ મી ગાથામાં કહ્યું છે કે ‘જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે, માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ– જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ? ઉત્તરઃ– જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે, પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યાં નથી.