આપણે તેમને “બાપુજી” તરીખે ઓળખીયે છીએ. પૂ. ગુરુદેવની બાપુજી પ્રત્યે અમીભરી કૃપાદ્રષ્ટિ હતી.
પૂ. ગુરુદેવ બાપુજીને વાત્સલ્ય ઝરતાં મધુર શબ્દોમાં “ભાઈ” તરીકે સંબોધતા.
બાપુજીનું સાંસારિક જીવન પ્રતિભાશાળી, ઉત્તમનીતિવાળું, પ્રમાણિક અને નીડર હતું. એ બ્રીટીશ જમાનાના અંગ્રેજી ન્યાયાધીશોને “ધોળે દિવસે તારા” દેખાડનારા વકીલ તરીકે પ્રખ્યાત હતા.
તેમનું ધાર્મિક જીવન સત્ધર્મ પ્રત્યે અતિરુચિવંત અને અસીમ ગુરુભક્તિવાળું છે. સોનગઢની સર્વ પ્રવૃત્તિઓના જન્મદાતા, પોષક અને વર્ધક પિતા તરીકે બાપુજીનું નામ સુવર્ણપુરીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.
પૂ. બાપુજી અનેક વર્ષોથી સર્વાર્પણપણે ગુરુભક્તિથી સૂક્ષ્મપણે શાસ્ત્રઅવગાહન કરીને અને સહૃદયપણે નિઃસ્વાર્થ સેવા પૂ. ગુરુદેવની તપોભૂમિ સોનગઢમાં આપી રહ્યા છે. તેઓએ નીતિમત્તા, ઉદારતા, સાદાઈ, નીડરતા, સજ્જનતા, આત્માર્થિતા, ઉદ્યમ પરાયણતા, ધર્મશ્રદ્ધા, વિદ્વતા, ગુરુચરણ ઉપાસના, પિતાતુલ્ય વાત્સલ્યતા એવા અનેક ગુણોેથી મુમુક્ષુજનોનાં હૃદયો જીતી લીધાંછે.
આજે તેઓ ૧૦૩ માં જન્મ દિવસમાં પ્રવેશ કરે છે. તેમણે “મોક્ષશાસ્ત્ર” અથાગ મહેનત લઈને ઘણા વરસો પહેલાં બનાવેલું, તેની ચોથી આવૃત્તિનું પ્રકાશન આજે કરતાં અમને અતિ આનંદ થાયછે. પૂ. બાપુજી આપણી વચ્ચે ઘણા વરસો સુધી રહે અને ધાર્મિક ઉન્નત્તિના ઉત્તમ ઉદાહરણ તરીકે આપણને સૌને પ્રોત્સાહન આપતા રહે તે જ અમારી પ્રાર્થના છે.