પ૨] [મોક્ષશાસ્ત્ર
બહુ–એક–તત (તાંતનો શબ્દ), વિતત (તાલનો શબ્દ), ઘન (કાંસાના વાધનો શબ્દ) અને સુષિર (વાંસળી આદિનો શબ્દ) વગેરે શબ્દોનું એક સાથે અવગ્રહ-જ્ઞાન થાય છે, તેમાં તત વગેરે જુદા જુદા શબ્દોનું ગ્રહણ અવગ્રહથી થતું નથી પણ તેના સમુદાયરૂપ સામાન્યને તે ગ્રહણ કરે છે, એવો અર્થ અહીં સમજવો; અહીં બહુ પદાર્થનો અવગ્રહ થયો.
પ્રશ્નઃ– સંભિન્ન સંશ્રોતૃઋદ્ધિના ધારક જીવને તત વગેરે શબ્દે-શબ્દનું સ્પષ્ટપણે ભિન્નભિન્ન રૂપથી જ્ઞાન હોય છે તો તેને આ અવગ્રહજ્ઞાન હોવાનું બાધિત છે?
ઉત્તરઃ– તે બરાબર નથી; સામાન્ય મનુષ્યની માફક તેને પણ ક્રમથી જ જ્ઞાન થાય છે, માટે તેને પણ અવગ્રહજ્ઞાન થાય છે; જે જીવને વિશુદ્ધ જ્ઞાન મંદ હોય તેને તત આદિ શબ્દોમાંથી કોઈ એક શબ્દનો અવગ્રહ થાય છે; આ એક પદાર્થનો અવગ્રહ થયો.
બહુવિધ–એકવિધ–ઉપરના દષ્ટાંતમાં ‘તત’ આદિ શબ્દોમાં હરેક શબ્દના બે, ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભેદોને જીવ ગ્રહણ કરે છે ત્યારે તેને ‘બહુવિધ’ પદાર્થનો અવગ્રહ થાય છે.
વિશુદ્ધતા મંદ રહેતાં જીવ તત આદિ શબ્દોમાંથી કોઈ એક પ્રકારના શબ્દને ગ્રહણ કરે છે તેને ‘એકવિધ’ પદાર્થોનો અવગ્રહ થાય છે.
ક્ષિપ્ર–અક્ષિપ્ર–વિશુદ્ધિના બળથી કોઈ જીવ ઘણો શીઘ્ર શબ્દને ગ્રહણ કરે છે તેને ‘ક્ષિપ્ર’ અવગ્રહ કહેવામાં આવે છે.
વિશુદ્ધિની મંદતા હોવાથી શબ્દને ગ્રહણ કરવામાં જીવને ઢીલ થાય છે તેને ‘અક્ષિપ્ર’ અવગ્રહ કહેવામાં આવે છે.
અનિઃસૃત–નિઃસૃત–વિશુદ્ધિના બળથી જીવ જ્યારે કહ્યા વિના અથવા બતાવ્યા વિના શબ્દને ગ્રહણ કરે છે ત્યારે તેને ‘અનિઃસૃત પદાર્થનો અવગ્રહ કહેવામાં આવે છે.
વિશુદ્ધિની મંદતાને લીધે મોઢામાંથી નીકળેલા શબ્દને જીવ ગ્રહણ કરે છે ત્યારે ‘નિઃસૃત’ પદાર્થનો અવગ્રહ થયો કહેવામાં આવે છે.
શંકાઃ– મોઢેથી પૂરા શબ્દના નીકળવાને ‘નિઃસૃત’ કહ્યો, અને ‘ઉક્ત’નો અર્થ પણ તે જ થાય છે તો પછી બેમાંથી એક ભેદ કહેવો જોઈએ, બન્ને કેમ કહો છો?