Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 54 of 655
PDF/HTML Page 109 of 710

 

અ. ૧. સૂત્ર ૧૬] [પ૧ કહીએ તો તે ખોટું છે, કેમકે તેમ થતાં આત્મા અને પર (જ્ઞાન અને જ્ઞેય) બન્ને એક થઈ જાય; કેમકે “જેનું જે હોય તે તે જ હોય” તેથી ખરેખર ‘પુદ્ગલનું જ્ઞાન’ છે એમ કહીએ તો જ્ઞાન પુદ્ગલરૂપ-જ્ઞેયરૂપ થઈ જાય, માટે નિમિત્ત સંબંધી પોતાના જ્ઞાનના પર્યાયને આત્મા જાણે છે એમ સમજવું (જુઓ, શ્રી સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ પાનું ૪ર૩ થી ૪૩૦).

પ્રશ્નઃ– અનુક્ત વિષય શ્રોત્રજ્ઞાનનો વિષય કેમ સંભવે? ઉત્તરઃ– શ્રોત્રજ્ઞાનમાં ‘અનુક્ત’ નો અર્થ ‘ઈષત્ (થોડું) અનુક્ત’ કરવો જોઈએ; અને ‘ઉક્ત’ નો અર્થ ‘વિસ્તારથી લક્ષણાદિ દ્વારા વર્ણન કર્યું છે’ એવો કરવો, કે જેથી નામમાત્ર સાંભળતાં જ જીવને વિશદ (વિસ્તારરૂપ) જ્ઞાન થઈ જાય તો તે જીવને અનુક્તજ્ઞાન જ થયું એમ કહેવું જોઈએ; તે જ પ્રમાણે બીજી ઇન્દ્રિયો દ્વારા અનુક્તનું જ્ઞાન જ થાય છે એમ સમજવું.

પ્રશ્નઃ– નેત્રજ્ઞાનમાં ‘ઉક્ત’ વિષય કેમ સંભવે? ઉત્તરઃ– કોઈ વસ્તુને વિસ્તારથી સાંભળી લીધી હોય અને પછી તે દેખવામાં આવે તો તે સમયનું નેત્રજ્ઞાન ‘ઉક્તજ્ઞાન’ કહેવાય છે. તેમ જ શ્રોત્ર ઇન્દ્રિય સિવાયની બીજી ઇન્દ્રિયો દ્વારા પણ ‘ઉક્ત’ નું જ્ઞાન થાય છે.

પશ્નઃ– ‘અનુક્ત’ નું જ્ઞાન પાંચ ઇન્દ્રિયો દ્વારા શી રીતે થાય? ઉત્તરઃ– શ્રોત્ર ઇન્દ્રિય સિવાય ચાર ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન હમેશાં અનુક્ત હોય છે. શ્રોત્રઇન્દ્રિય દ્વારા અનુક્તનું જ્ઞાન કેમ થાય તેનો ખુલાસો પહેલા ઉત્તરમાં કરવામાં આવ્યો છે.

પ્રશ્નઃ– અનિઃસૃત અને અનુક્ત પદાર્થોની સાથે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો સંયોગ થાય છે એમ અમે દેખી શકતા નથી માટે અમે તે સંયોગનો સ્વીકાર કરી શકતા નથી?

ઉત્તરઃ– તે પણ ઠીક નથી; જેમ જન્મથી જમીનની અંદર રાખવામાં આવેલો પુરુષ કોઈ કારણે બહાર નીકળે તો તેને ઘટપટાદિ સમસ્ત પદાર્થોનો આભાસ થાય છે, પરંતુ ‘આ ઘટ છે, આ પટ છે’ ઇત્યાદિ જે વિશેષજ્ઞાન તેને થાય છે તે તેને પરના ઉપદેશથી જ થાય છે, તે સ્વયં તેવું જ્ઞાન કરી શકતો નથી; તેવી રીતે સૂક્ષ્મ અવયવોની સાથે જે ઇન્દ્રિયોનો ભિડાવ થાય છે અને તેનાથી અવગ્રહાદિ જ્ઞાન થાય છે તે વિશેષ જ્ઞાન પણ વીતરાગના ઉપદેશથી જ જાણવામાં આવે છે, આપણી અંદર એવું સામર્થ્ય નથી કે આપણે સ્વયં જાણી શકીએ; માટે કેવળજ્ઞાનીના ઉપદેશથી જ્યારે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોના અવગ્રહ વગેરે સિદ્ધ છે ત્યારે તેનો અભાવ કદી કહી શકાય નહિ.