Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 67 of 655
PDF/HTML Page 122 of 710

 

૬૪] [મોક્ષશાસ્ત્ર

શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પછી થઈ શકે છે. તોપણ વર્ણવવા લાયક તથા શિક્ષાયોગ્ય સર્વ વિષયો તેમાં (શ્રુતજ્ઞાનમાં) આવે છે, અને તે સાંભળીને જાણી શકાય છે. એ રીતે ‘શ્રુતજ્ઞાન’ માં શ્રુતનો (શબ્દનો) સંબંધ મુખ્યતાથી છે; તે કારણે શ્રુતજ્ઞાનને શાસ્ત્રજ્ઞાન (ભાવશાસ્ત્રજ્ઞાન) પણ કહેવામાં આવે છે. (શબ્દો સાંભળીને જે શ્રુતજ્ઞાન થાય છે તે સિવાય બીજા પ્રકારનું પણ શ્રુતજ્ઞાન થાય છે.) સમ્યગ્જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળવા ઉપરથી પાત્ર જીવોને આત્માનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે તે અપેક્ષાએ તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. (૧૨) રૂઢિના બળથી પણ મતિપૂર્વક થતા આ વિશેષ જ્ઞાનને ‘શ્રુતજ્ઞાન’ કહેવામાં

આવે છે. (૧૩) શ્રુતજ્ઞાનને વિતર્ક પણ કહેવામાં આવે છે. [અધ્યાય ૯, સૂત્ર-૩૯] (૧૪) અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય

અંગપ્રવિષ્ટ બાર ભેદનાં નામ–૧-આચારાંગ, ૨-સૂત્રકૃતાંગ, ૩-સ્થાનાંગ, ૪- સમવાયાંગ, પ-વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગ, ૬-જ્ઞાતૃધર્મકથા અંગ, ૭-ઉપાસક અધ્યયનાંગ, ૮-અન્તકૃતદશાંગ, ૯-અનુત્તરૌપપાદિક અંગ, ૧૦-પ્રશ્નવ્યાકરણ અંગ, ૧૧-વિપાકસૂત્રાંગ અને ૧૨-દ્રષ્ટિપ્રવાદ અંગ. અંગબાહ્ય શ્રુતમાં ચૌદ પ્રકીર્ણક હોય છે. આ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના, જે દિવસે તીર્થંકર ભગવાનનો દિવ્ય- ધ્વનિ છુટે છે ત્યારે ભાવશ્રુતરૂપ પર્યાયથી પરિણત ગણધરભગવાન એક જ મુહૂર્ત માં ક્રમથી કરે છે. (૧પ) આ બધાં શાસ્ત્રો નિમિત્ત માત્ર છે; ભાવશ્રુતજ્ઞાનમાં તેને અનુસરીને

તારતમ્યતા હોય છે-એમ સમજવું. (૧૬) મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચેનો ભેદ

પ્રશ્નઃ– જેમ મતિજ્ઞાન ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે, તેમ શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે- તો પછી તેમાં ભેદ શું છે?

શંકાકારનાંકારણો–ઇન્દ્રિય અને મનથી મતિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે પ્રસિદ્ધ છે, અને શ્રુતજ્ઞાન વકતાના કહેવાથી અને શ્રોતાના સાંભળવાથી ઉત્પન્ન થાય છે તેથી વક્તાની જીભ અને શ્રોતાના કાન તથા મન એ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણો છે; એ રીતે મતિ-શ્રુત બન્નેના ઉત્પાદક કારણ ઇન્દ્રિયો અને મન થયાં, માટે તેને એક માનવાં જોઈએ.