સમાજનો મોટો ભાગ આ શાસ્ત્રના સાચા મર્મથી અજ્ઞાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ-એવું વસ્તુસ્વરૂપ છે, તેથી જ્યાં જ્યાં એક દ્રવ્યને બીજા દ્રવ્યની સાથે સંબંધ જણાવવામાં આવે ત્યાં ત્યાં એમ સમજવું કે તે સંબંધ માત્ર નિમિત્ત- નૈમિત્તિકપણાનો છે, પણ જુદાં દ્રવ્યોને કર્તાકર્મસંબંધ જરા પણ હોઈ શક્તો નથી. જ્યાં પર્યાયનું અને તેના નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય ત્યાં ઘણી વાર નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવે છે. પણ નિમિત્તથી કોઈ કાર્ય થતું નથી. આ શાસ્ત્રમાં પણ ઘણી જગ્યાએ નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. સાધક દશાની ભૂમિકાનુસાર અમુક પ્રકારનો જ રાગ અને નિમિત્ત-નૈમિત્તિકનો મેળ હોય છે. એનાથી વિરુદ્ધ હોય નહીં એમ જ્ઞાન કરાવવા માટે વ્યવહારનય અને તેનો વિષય જાણવા માટે તેનું કથન હોય છે. અને તેવા સૂત્રોની ટીકામાં તે કથનના ભાવોને સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેના અભ્યાસથી ધર્મ જિજ્ઞાસુઓને સત્યસ્વરૂપ સમજવું સુગમ થશે.
(પ) આ શાસ્ત્રની ગુજરાતી ટીકાના આધારભૂત શાસ્ત્રો
આ ટીકાનો સંગ્રહ મુખ્યપણે શ્રી સર્વાર્થસિદ્ધિ, શ્રી તત્ત્વાર્થરાજવાર્તિક; શ્રી શ્લોકવાર્તિક, શ્રી અર્થપ્રકાશિકા, શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી નિયમસાર, શ્રી ધવલાશાસ્ત્ર, તથા શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક વગેરે અનેક સત્શાસ્ત્રોના આધારે કરવામાં આવેલ છે.
(૬) પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાનું ફળ
પરમપૂજ્ય સત્પુરુષ અધ્યાત્મયોગી પરમસત્ય જૈનધર્મના મર્મના પારગામી અને અદ્વિતીય ઉપદેશક શ્રી કાનજીસ્વામીને, આ ગ્રંથનું લખાણ તૈયાર કર્યા પછી વાંચી જવા માટે મેં વિનંતિ કરતાં તેઓશ્રીએ તે સ્વીકારવા કૃપા કરી; તેના ફળરૂપે તેઓશ્રીએ જે જે સુધારાઓ સૂચવ્યા તે દાખલ કરી આ ગ્રંથનું લખાણ પ્રેસમાં મોકલવામાં આવ્યું હતું. એ રીતે આ ગ્રંથ તેઓશ્રીની કૃપાનું ફળ છે-એમ જણાવવા રજા લઉં છું. તેઓશ્રીની આ કૃપા માટે તેઓશ્રીનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે એમ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
મુમુક્ષુઓએ આ ગ્રંથનો સૂક્ષ્મદ્રષ્ટિથી અને મધ્યસ્થપણે અભ્યાસ કરવો. સત્શાસ્ત્રનો ધર્મબુદ્ધિ વડે અભ્યાસ કરવો તે સમ્યગ્દર્શનનું કારણ છે, આ ઉપરાંત શાસ્ત્રાભ્યાસમાં નીચેની બાબતો ખાસ લક્ષમાં રાખવીઃ-