Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 710

 

[૧૨]

૧. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. ૨. સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈ પણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે ક્રિયાઓ હોય નહિ, કેમ કે તે ક્રિયાઓ પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે.

૩. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, પણ અજ્ઞાની જીવ એમ માને છે કે-તેનાથી ધર્મ થશે. પણ જ્ઞાનીઓને તે હેયબૃદ્ધિએ હોવાથી, તેનાથી ધર્મ થશે એમ તેઓ કદી માનતા નથી.

૪. આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિ; પણ તે શુભભાવને ધર્મ માનવો નહિ, તેમ જ તેનાથી ક્રમેક્રમે ધર્મ થશે એમ માનવું નહિ; કેમ કે તે વિકાર હોવાથી અનંત વીતરાગદેવોએ તેને બંધનું કારણ કહ્યું છે.

પ. દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે; એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ. અસર-મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકશાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, સુખ-દુઃખ આપી શકે નહિ-એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે.

૬. જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે, માટે યથાર્થ શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થવું.

૭. પહેલા ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને જ્ઞાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ, નિરંતર તેમનો સમાગમ, સત્શાસ્ત્રનો અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન, પૂજા ભક્તિ, દાન વગેરે શુભભાવો હોય છે પરંતુ પહેલા ગુણસ્થાને સાચાં વ્રત-તપ વગેરે હોતાં નથી.

આ શાસ્ત્ર તૈયાર કરવામાં ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ, તથા બ્રહ્મચારી ગુલાબચંદભાઈ વગેરે ભાઈઓએ અનેક પ્રકારની મદદ આપી છે તે બદલ તે સર્વેનો આભાર માનવાની રજા લઉં છું.

રામજી માણેકચંદ દોશી
વીર નિર્વાણ સં. ૨૪૭પ-પ્રમુખ-
અષાઢ સુદ-૨શ્રી દિ
જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ