Moksha Shastra (Gujarati). Sutra: 28 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 77 of 655
PDF/HTML Page 132 of 710

 

૭૪] [મોક્ષશાસ્ત્ર

જીવના પાંચ ભાવોમાંથી ઔદયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક એ ત્રણ ભાવો(પરિણામો) જ અવધિજ્ઞાનનો વિષય થાય છે; અને જીવના બાકીના-ક્ષાયિક તથા પારિણામિક એ બે ભાવો તથા ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય અરૂપી પદાર્થ છે તે અવધિજ્ઞાનના વિષયભૂત થતા નથી.

આ જ્ઞાન સર્વ રૂપી પદાર્થોને અને તેના કેટલાક પર્યોયોને જાણે છે એમ સમજવું. ।। २७।।

મનઃપર્યયજ્ઞાનનો વિષય
तदनंतभागे मनःपर्ययस्य।। २८।।
અર્થઃ– [तत् अनंतभागे] સર્વાવધિજ્ઞાનના વિષયભૂત રૂપી દ્રવ્યના અનંતમા

ભાગે [मनःपर्ययस्य] મનઃપર્યયજ્ઞાનનો વિષય-સંબંધ છે.

ટીકા

પરમઅવધિજ્ઞાનના વિષયભૂત જે પુદ્ગલસ્કંધ છે તેનો અનંતમો ભાગ કરતાં જે એક પરમાણુ માત્ર થાય છે તે સર્વાવધિનો વિષય છે, તેનો અનંતમો ભાગ ઋજુમતિ-મનઃપર્યયજ્ઞાનનો વિષય છે અને તેનો અનંતમો ભાગ વિપુલમતિમનઃપર્યયનો વિષય છે. (સર્વાર્થસિદ્ધિ પાનું-૪૭૩)

સૂત્ર ૨૭–૨૮ નો સિદ્ધાંત

અવધિજ્ઞાનનો અને મનઃપર્યયજ્ઞાનનો વિષય રૂપી છે એમ અહીં કહ્યું છે. અધ્યાય ર ના સૂત્ર ૧ માં આત્માના પાંચ ભાવો કહ્યા છે તેમાંથી ઔદયિક, ઔપશમિક તથા ક્ષાયોપશમિક એ ત્રણ ભાવો આ જ્ઞાનનો વિષય થાય છે એમ સૂત્ર ૨૭ માં કહ્યું છે, તેથી નક્કી થાય છે કે પરમાર્થ તે ત્રણ ભાવો રૂપી છે-એટલે કે અરૂપી આત્માનું સ્વરૂપ તે નથી. કેમકે આત્મામાંથી તે ભાવો ટળી શકે છે અને જે ટળી શકે તે પરમાર્થે આત્માનું હોય નહિ. ‘રૂપી’ ની વ્યાખ્યા અધ્યાય પ ના સૂત્ર પ માં આપી છે, ત્યાં પુદ્ગલ ‘રૂપી’ છે-એમ કહ્યું છે; અને પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા છે એમ અધ્યાય પ સૂત્ર ૨૩ માં કહ્યું છે. શ્રી સમયસારની ગાથા પ૦ થી ૬૮ તથા ૨૦૩ માં વર્ણાદિથી ગુણસ્થાન પર્યંતના ભાવો પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જીવની અનુભૂતિથી ભિન્ન છે માટે તે જીવ નથી એમ કહ્યું છે; તે જ સિદ્ધાંત આ (વ્યવહાર) શાસ્ત્રમાં ઉપર કહેલાં ટૂંકાં સૂત્રો દ્વારા પ્રતિપાદન કર્યો છે.

[જુઓ, સમયસાર પૃ. ૮૨ થી ૧૦૨ તથા ૨૬૧]