Moksha Shastra (Gujarati). Sutra: 29 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 78 of 655
PDF/HTML Page 133 of 710

 

અ. ૧. સૂત્ર ૯] [૭પ

અધ્યાય ર સૂત્ર ૧ માં તે ભાવોને જીવના કહ્યા છે તે વ્યવહારે કહ્યા છે. જો ખરેખર તે જીવના હોય તો જીવમાંથી કદી ટળે નહિ અને એક સરખા રહે; પણ એક સરખા રહેતા નથી અને ટાળી શકાય છે, માટે તે જીવસ્વરૂપ-જીવના નિજભાવ નથી.।। ૨૮।।

કેવળજ્ઞાનનો વિષય
सर्वद्रव्यपर्यायेषु केवलस्य।। २९।।
અર્થઃ– [केवलस्य] કેવળજ્ઞાનનો વિષય-સંબંધ[सर्वद्रव्यपर्यायेषु] સર્વ દ્રવ્યો

અને તેના સર્વે પર્યાયો છે-અર્થાત્ કેવળજ્ઞાન એક સાથે સર્વ પદાર્થોને અને તેના સર્વ પર્યાયોને જાણે છે.

ટીકા

કેવળજ્ઞાન=અસહાય જ્ઞાન; એટલે કે ઇન્દ્રિય, મન કે આલોકની અપેક્ષારહિત આ જ્ઞાન છે. ત્રિકાળગોચર અનંત પર્યાયોને પ્રાપ્ત અનંત વસ્તુઓને તે જાણે છે, અસંકુચિત (સંકોચ વગરનું) છે, અને પ્રતિપક્ષીરહિત છે; કેવળજ્ઞાન અમર્યાદિત છે.

શંકાઃ– જે પદાર્થનો નાશ થઈ ચૂક્યો છે અને જે પદાર્થ હજી ઉત્પન્ન નથી થયો તેને કેવળજ્ઞાન કેમ જાણી શકે?

સમાધાનઃ– કેવળજ્ઞાન નિરપેક્ષ હોવાથી બાહ્ય પદાર્થોની અપેક્ષા વિના તેને એટલે કે નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોને જાણે તેમાં કાંઈ વિરોધ નથી. કેવળજ્ઞાનને વિપર્યયજ્ઞાનપણાનો પણ પ્રસંગ નથી, કેમકે યથાર્થ સ્વરૂપથી તે પદાર્થોને જાણે છે. નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓનો જોકે વર્તમાનમાં સદ્ભાવ નથી તોપણ તેનો અત્યંત અભાવ નથી.

સર્વ દ્રવ્ય અને તે દ્રવ્યના ત્રિકાળવર્તી અનંતાનંત પર્યાયોને અક્રમથી એક કાળે કેવળજ્ઞાન જાણે છે; તે જ્ઞાન સહજ (ઇચ્છાવિના) જાણે છે. કેવળજ્ઞાનમાં એવી શક્તિ છે કે અનંતાનંત લોક-અલોક હોય તોપણ તેને જાણવાને કેવળજ્ઞાન સમર્થ છે.

શંકાઃ– કેવળી ભગવાનને એક જ જ્ઞાન હોય છે કે પાંચે જ્ઞાન હોય છે? સમાધાનઃ– પાંચે જ્ઞાનોનું એકી સાથે રહેવું માની શકાય નહિ, કેમકે મતિજ્ઞાનાદિ આવરણીય જ્ઞાન છે અને કેવળજ્ઞાની ભગવાન ક્ષીણ આવરણીય છે તેથી ભગવાનને આવરણીય જ્ઞાન હોવું સંભવે નહિ; કેમકે આવરણના નિમિત્તથી થતાં જ્ઞાનોનું (આવરણનો અભાવ થયા પછી) રહેવાનું બની શકે એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે.

[શ્રી ધવલા પુસ્તક ૬ પાનું ૨૯-૩૦]