૯૦] [મોક્ષશાસ્ત્ર
પ્રશ્નઃ– સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે એમ જ્ઞાનીઓ કહે છે, તો સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન અને ચારિત્ર કેવાં હોય?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન ન હોય તો અગિયાર અંગનો જ્ઞાતા પણ મિથ્યાજ્ઞાની છે; અને તેનું ચારિત્ર પણ મિથ્યાચારિત્ર છે. અહીં આશય એ છે કે સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, જપ, ભક્તિ, પ્રત્યાખ્યાન આદિ જે કાંઈ આચરણ છે તે સર્વે મિથ્યાચારિત્ર છે; માટે સમ્યગ્દર્શન શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે જાણવાની જરૂર છે.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શન શું છે? તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ઉત્તરઃ– સમ્યગ્દર્શન તે જીવદ્રવ્યના શ્રદ્ધાગુણનો એક નિર્મળ્ા પર્યાય છે. આ જગતમાં છ દ્રવ્યો છે તેમાં એક ચેતનદ્રવ્ય (જીવ) છે, અને પાંચ અચેતન-જડ દ્રવ્યો(પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) છે. જીવદ્રવ્ય અર્થાત્ આત્મવસ્તુમાં અનંત ગુણો છે, તેમાં એક ગુણ શ્રદ્ધા (માન્યતા-વિશ્વાસ-પ્રતીતિ) છે, તે ગુણની અવસ્થા અનાદિથી ઊંધી છે તેથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા છે, તે અવસ્થાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે; તે શ્રદ્ધાગુણની સવળી (શુદ્ધ) અવસ્થા તે સમ્યગ્દર્શન છે. આ રીતે આત્માના શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય સમ્યગ્દર્શન છે.
(૧) શ્રદ્ધાગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યગ્દર્શન છે.