અ. ૧. પરિ. ૧] [૧૦૩
અર્થઃ– જેમ ઉપર કહ્યું તે રીતે સમ્યગ્દ્રષ્ટિને ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનનો આદર નથી તેમ જ, આત્મપ્રત્યક્ષ હોવાને લીધે સર્વ કર્મોનો પણ આદર નથી.
ગાથા ૩૭પ-૩૭૬ નો એટલો જ અર્થ છે કે-સમ્યગ્દર્શન તે કેવળજ્ઞાનાદિનો પ્રત્યક્ષ વિષય છે અને મતિ-શ્રુતજ્ઞાનનો તે પ્રત્યક્ષ વિષય નથી. પરંતુ મતિ- શ્રુતજ્ઞાનમાં તે તેનાં લક્ષણો દ્વારા જાણી શકાય છે. અને કેવળજ્ઞાનાદિ જ્ઞાનમાં લક્ષણ-લક્ષ્યનો ભેદ પાડયા સિવાય પ્રત્યક્ષ જાણી શકાય છે.
પશ્નઃ– આ વિષયને દ્રષ્ટાંતપૂર્વક સમજાવો. ઉત્તરઃ– સ્વાનુભવદશામાં આત્માને જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન વડે જાણવામાં આવે છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે, તે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન પરોક્ષ છે તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. અહીં આત્માને જે સારી રીતે સ્પષ્ટ જાણે છે તેમાં પારમાર્થિક પ્રત્યક્ષપણું નથી તથા જેમ પુદ્ગલ પદાર્થ નેત્રાદિ દ્વારા જાણવામાં આવે છે તેમ એકદેશ (અંશે) નિર્મળતાપૂર્વક પણ આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી, તેથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ નથી.
અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશોનો આકાર ભાસતો નથી પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે; એ સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ-અનુમાનાદિક પરોક્ષ પ્રમાણ વડે જણાતો નથી-પોતે જ એ અનુભવના રસાસ્વાદને પ્રત્યક્ષ વેદે છે; જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરના આકારાદિ પરોક્ષ છે પણ જીભ વડે જે સ્વાદ લીધો છે તે સ્વાદ પ્રત્યક્ષ છે-એમ અનુભવ સંબંધમાં જાણવું. [ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પાનું ૩૪૭-૩૪૮, ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી] આ દશા ચોથા ગુણસ્થાને હોય છે.
આ પ્રમાણે આત્માનો અનુભવ જાણી શકાય છે અને જે જીવને તેનો અનુભવ હોય તે જીવને સમ્યગ્દર્શન અવિનાભાવી હોય છે. માટે મતિ-શ્રુતજ્ઞાનથી સમ્યગ્દર્શન બરાબર જાણી શકાય છે.
પ્રશ્નઃ– આ બાબતમાં પંચાધ્યાયીકારે શું કહ્યું છે? ઉત્તરઃ– પંચાધ્યાયીના પહેલા અધ્યાયમાં મતિ-શ્રુતજ્ઞાનનું સ્વરૂપ જણાવતાં ૭૦૬ મી ગાથામાં નીચે પ્રમાણે કહ્યું છે-