અ. ૧. પરિ. ૧] [૧૧૧ તેમનાં બન્ને નેત્રો ખૂલી જાય છે, તેમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો સર્વથા નાશ થવાથી તથા મોહનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી નિદ્રાના સર્વથા દૂર થઈ જવાથી જે સુપ્રભાતમાં સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન વિશેષ સ્ફુરાયમાન થાય છે એવા સુપ્રભાતને પ્રાપ્ત કરી લેનારા મુનિઓને મસ્તક ઝુકાવીને નમસ્કાર છે.
કેવળજ્ઞાન થતાં સમ્યગ્જ્ઞાન તેમ જ સમ્યગ્દર્શન પણ વિશેષ સ્ફુરાયમાન થાય છે તેમ આ ગાથામાં જણાવ્યું છે.
(૯) પ્રશ્નઃ– જો સમ્યક્ત્વનો વિષય બધાને સરખો છે તો પછી સમ્યગ્દર્શનના ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એવા ભેદો કેમ પડયા?
ઉત્તરઃ– દર્શનમોહનીય કર્મના અનુભાગબંધની અપેક્ષાએ તે ભેદ નથી પણ સ્થિતિબંધની અપેક્ષાએ તે ભેદ છે, પણ તે કારણે તેઓમાં આત્માની માન્યતામાં કાંઈ ફેર પડતો નથી. દરેક પ્રકારના સમ્યગ્દર્શનમાં આત્માની માન્યતા એક જ પ્રકારની છે.
આત્માના સ્વરૂપની જે માન્યતા ઔપશમિક સમ્યગ્દર્શનમાં હોય છે તે જ માન્યતા ક્ષાયોપશમિક અને ક્ષાયિક સમ્યગ્દર્શનમાં હોય છે. કેવળી ભગવાનને પરમ અવગાઢ સમ્યગ્દર્શન હોય છે તેમને પણ આત્માના સ્વરૂપની તે જ પ્રકારની માન્યતા હોય છે. એ રીતે બધા સમ્યગ્દ્રષ્ટિ જીવોને આત્મસ્વરૂપની માન્યતા એક જ પ્રકારની હોય છે.
પ્રશ્નઃ– પંચાધ્યાયી અને પંચાસ્તિકાયમાં જ્ઞાનચેતનાના વિધાનોમાં ફેર છે? ઉત્તરઃ– પંચાધ્યાયીમાં ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતનાનું વિધાન કરેલ છે, (જુઓ, અધ્યાય ર ગાથા-૮પ૪) પંચાસ્તિકાયમાં તેરમા ગુણસ્થાનથી જ્ઞાનચેતનાનો સ્વીકાર કરેલ છે, પણ તેથી તેમાં કાંઈ વિરોધ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવને શુભાશુભ ભાવનું સ્વામિત્વ નથી એ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતના પંચાધ્યાયીમાં કહી છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે ક્ષાયોપશમિકભાવમાં કર્મ નિમિત્ત હોય છે તે અપેક્ષાએ નીચેનાં ગુણસ્થાનોમાં તેનો સ્વીકાર કરેલ નથી. બન્ને કથનો વિવક્ષા આધીન હોવાથી સત્ય છે.