(૭) આ શાસ્ત્રના આઠમા પાનામાં નિયમસારશાસ્ત્રનો આધાર આપીને નિશ્ચય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરમનિરપેક્ષ છે એમ દર્શાવ્યું છે તેથી તેનું એક અંગ જે નિશ્ચયસમ્યગ્દર્શન છે તે પણ પરમનિરપેક્ષ છે એટલે કે તે સ્વાત્માના આશ્રયે જ અને પરથી નિરપેક્ષ જ થાય છે એમ સમજવું. ‘જ’ શબ્દ વસ્તુસ્થિતિની મર્યાદારૂપ સાચો નિયમ બતાવવાને માટે છે.
આ શાસ્ત્રમાં નયો સાત કહેવામાં આવ્યા છે તેમાં પહેલો નય નૈગમનય છે. એ નૈગમનય ત્રણ પ્રકારનો છે. ભૂતનૈગમ, વર્તમાનનૈગમ અને ભાવીનૈગમ. આ નયોનાં દ્રષ્ટાંતો નીચે મુજબ છે.
૧. શ્રી નિયમસાર ગા. ૧૯ની ટીકામાં કહ્યું છે કે “અહીં ભૂતનૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમકે પૂર્વ કાળે તે ભગવંતો સંસારી હતા એવો વ્યવહાર છે.
જુઓ, સિદ્ધ ભગવંતો વર્તમાનમાં સંસારી નથી પણ સિદ્ધ છે છતાં તેમને ભૂતનૈગમનય લાગુ પાડી તેઓ વર્તમાનમાં સંસારી છે એમ કહેવામાં આવે છે. તેનું પ્રયોજન એ બતાવવાનું છે કે તેઓ ભૂતકાળમાં સંસારી હતા અને સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રની એકતા કરી, મોક્ષમાર્ગ પ્રગટ કરી મોક્ષ પામ્યા. માટે ભવ્ય જીવોએ તે નિશ્ચયમોક્ષમાર્ગ અંગીકાર કરવો જોઈએ. ર. શ્રી પરમાત્મપ્રકાશ અ. ર ગા. ૧૪ની ટીકા પૃ. ૧ર૯ ત્રીજી આવૃત્તિમાં કહ્યું છે કેઃ-
“××× અથવા સાધક વ્યવહાર મોક્ષમાર્ગ, સાધ્ય નિશ્ચય મોક્ષમાર્ગ. અહીં શિષ્ય કહે છે કે નિશ્ચયમોક્ષમાર્ગ નિર્વિકલ્પ છે, તે કાળે સવિકલ્પ મોક્ષમાર્ગ નથી. નથી તે સાધક કેવી રીતે થાય? ત્યાં તેનો પરિહાર એ છે કે ભૂતનૈગમનયે પરંપરાએ છે.”
જુઓ, આ સ્વરૂપ બરાબર ધ્યાનમાં રાખવા જેવું છે. શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી શાસ્ત્ર અ. ૭ ગા. પ માં કહ્યું છે કે હે આત્મન્! આ વ્યવહારમાર્ગ ચિંતા, કલેશ, કષાય અને શોકથી જટિલ (મુંઝવણ ભરેલો) છે. દેહાદિ દ્વારા સાધ્ય હોવાથી પરાધીન છે, કર્મોને લાવવાનું કારણ છે, અત્યંત વિકટમય તેમ જ આશાથી વ્યાપ્ત છે અને વ્યામોહ કરવાવાળો છે, પરંતુ શુદ્ધનિશ્ચયનયરૂપ માર્ગમાં એવી કોઈ વિપત્તિ નથી. તેથી તું વ્યવહારનયનો ત્યાગ કરી શુદ્ધનિશ્ચયનયરૂપ માર્ગનું અવલંબન કર,