અ. ૧. પરિ. ૧] [૧૧૩ જેવા ક્રોધાદિક થાય છે તેવા ક્રોધાદિક સમ્યક્ત્વના સદ્ભાવમાં થતા નથી એવો નિમિત્ત નૈમિત્તિકસંબંધ છે, તેથી ઉપચારથી અનંતાનુબંધીમાં સમ્યક્ત્વનું ઘાતકપણું કહેવામાં આવે છે. [મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું-૩૩૭]
(૪) પ્રશ્નઃ– ત્રિલોકસારની ૭૧ મી ગાથામાં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચને સમ્યગ્દર્શનના અવિભાગ પ્રતિચ્છેદો કેટલા હોય છે એ બતાવ્યું છે, માટે ક્ષાયિક સમ્યગ્દર્શન અપૂર્ણ શા માટે જ ગણાય?
ઉત્તરઃ– ‘ક્ષાયિક’ સમ્યગ્દર્શન પ્રગટ થયું એમ કહેવું તે આત્માના શ્રદ્ધાગુણનું પ્રગટવું અને સાત પ્રકૃતિઓનો ક્ષય થવો તે બતાવવા-એટલે કે નિમિત્ત- નૈમિત્તિકસંબંધ બતાવવા પૂરતું છે, તે પરની અપેક્ષાએ છે, ત્યાં મિથ્યાદર્શન અને અનંતાનુબંધીની સાત પ્રકૃતિ આત્મપ્રદેશે સત્તામાં પણ રહેતી નથી, જો સ્વદ્રવ્યના બીજા ગુણોની સાથે અભેદપણું લક્ષમાં લઈએ તો તે અપેક્ષાએ તે ગુણનો પૂર્ણ પર્યાય કેવળજ્ઞાન થતાં પ્રગટ થાય છે એમ કહી શકાય. વળી દ્રવ્ય અખંડ છે તેથી દ્રવ્યઅપેક્ષાએ આખા દ્રવ્યની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપણામાં થાય છે એમ કહી શકાય છે. સમ્યગ્દર્શન એકવાર પ્રગટ થયા પછી તે મેળવવા માટે પુરુષાર્થ કરવાનો રહેતો નથી, પણ તેની દ્રઢતા માટે તથા ચારિત્ર માટે પુરુષાર્થ કરવાનો રહે છે અને તેને અનુસરીને સંપૂર્ણ જ્ઞાન તેરમા ગુણસ્થાને પ્રગટે છે અને પરમ યથાખ્યાતચારિત્ર ચૌદમા ગુણસ્થાનના અંતમાં પ્રગટે છે-એ રીતે દ્રવ્યઅપેક્ષાએ અખંડ પૂર્ણ શુદ્ધિ સિદ્ધદશામાં થાય છે.
ત્રિલોકસાર ગાથા-૭૧ માં અવિભાગ પ્રતિચ્છેદનું જે કથન છે તે તેના પર્યાયની અપેક્ષાએ છે પણ વિષયની અપેક્ષાએ તે કથન નથી; કેમ કે સ્વરૂપની માન્યતા તો તમામ પ્રકારના સમ્યગ્દર્શનમાં એક જ પ્રકારની હોય છે એટલે તેમાં ક્રમ કે ભેદ પડી શકતા નથી; ચારિત્રમાં ભેદ પડે છે. સમ્યગ્દર્શન પ્રગટતાં અભિપ્રાય (શ્રદ્ધા-માન્યતા) અપેક્ષાએ જીવનો મોક્ષ થયો-એમ જ્ઞાનીઓ કહે છે.
(પ) પ્રશ્નઃ– સંસારમાં એવો નિયમ છે કે દરેક ગુણનો ક્રમિક વિકાસ થાય છે, માટે સમ્યગ્દર્શનનો પણ ક્રમિક વિકાસ થવો જોઈએ?
ઉત્તરઃ– એવો એકાંત સિદ્ધાંત નથી. વિકાસમાં પણ અનેકાંતસ્વરૂપ લાગુ પડે છે એટલે કે આત્માનો શ્રદ્ધાગુણ તેના વિષયની અપેક્ષાએ એક સાથે ઊઘડે છે. અને આત્માના જ્ઞાનાદિ કેટલાક ગુણોમાં ક્રમિક વિકાસ થાય છે.