૧૧૪] [મોક્ષશાસ્ત્ર સમ્યગ્દર્શન પ્રગટે ત્યારથી જ તે પોતાના વિષય પરત્વે પૂર્ણ અને ક્રમરહિત હોય છે.
સમ્યગ્જ્ઞાન-સમ્યક્ચારિત્રમાં ક્રમે ક્રમે વિકાસ થાય છે. આ રીતે વિકાસમાં ક્રમિક અને અક્રમિકપણું આવે છે, તેથી વિકાસનું સ્વરૂપ અનેકાંત છે-એમ સમજવું.
(૬) પ્રશ્નઃ– સમ્યક્ત્વના આઠ અંગ કહ્યાં છે, તેમાં એક અંગ ‘નિઃશંક્તિ’ છે અને તેનો અર્થ નિર્ભયતા કહ્યો છે; નિર્ભયતા આઠમા ગુણસ્થાને થાય છે માટે જ્યાંસુધી ભય છે. ત્યાંસુધી સમ્યગ્દર્શન પૂર્ણ નથી-એમ જાણવું તે બરાબર છે? જો સમ્યગ્દર્શન પૂર્ણ હોત તો શ્રેણિક રાજા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ હતા તે આપઘાત ન કરત એ ખરું કે નહિ?
ઉત્તરઃ– એ ખરું નથી; સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્દર્શનના વિષયની માન્યતા પૂર્ણ જ હોય છે કેમ કે તેનો વિષય અખંડ શુદ્ધાત્મા છે. સમ્યગ્દ્રષ્ટિને શંકા-કાંક્ષા- વિચિકિત્સાનો અભાવ દ્રવ્યાનુયોગમાં કહ્યો છે, અને કરણાનુયોગમાં ભયનો આઠમા ગુણસ્થાન સુધી, લોભનો દસમા સુધી અને જુગુપ્સાનો આઠમા સુધી સદ્ભાવ કહ્યો છે, ત્યાં વિરોધ નથી, કારણ કે-શ્રદ્ધાનપૂર્વકના તીવ્ર શંકાદિકનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ થયો છે અથવા મુખ્યપણે સમ્યગ્દ્રષ્ટિ શંકાદિક કરે નહિ-એ અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકનો અભાવ કહ્યો, પણ સૂક્ષ્મ શક્તિની અપેક્ષાએ ભયાદિકનો ઉદય આઠમાદિ ગુણસ્થાન સુધી હોય છે તેથી કરણાનુયોગમાં ત્યાં સુધી સદ્ભાવ કહ્યો. (મોક્ષમાર્ગ- પ્રકાશક પાનું-ર૯૬)
સમ્યગ્દ્રષ્ટિને ‘નિર્ભયતા’ કહી છે તેનો અર્થ એવો છે કે અનંતાનુબંધીનો કષાય સાથે જે જાતનો ભય હોય તે જાતનો ભય સમ્યગ્દ્રષ્ટિને નથી એટલે કે ‘પરવસ્તુથી મને ભય થાય છે’ એમ અજ્ઞાનદશામાં જીવ માનતો હતો તે માન્યતા સમ્યગ્દ્રષ્ટિ થતાં ટળી ગઈ, હવે જે ભય થાય છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે એટલે કે ભયમાં પોતાના વર્તમાન પર્યાયનો દોષ છે-પરવસ્તુનો દોષ નથી, એમ તે માને છે. એટલે પર પ્રત્યેની તેને નિર્ભયતા પ્રગટી છે, આ અપેક્ષાએ તે કથન છે. સર્વથા ભય ટળ્યો નથી, તે આઠમે ગુણસ્થાને ટળે છે.
શ્રેણિક રાજાને જે ભય ઉત્પન્ન થયો, તે પોતાની નબળાઈને કારણે હતો એવી તેની માન્યતા હોવાથી સમ્યગ્દર્શન અપેક્ષાએ તે નિર્ભય છે. ચારિત્રઅપેક્ષાએ અલ્પ ભય થતાં આત્મઘાતનો વિકલ્પ આવ્યો.