૧૧૮] [મોક્ષશાસ્ત્ર હા, પણ મૂળ કારણ ન રહેતાં ચારિત્રમોહનીયનો ટકાવ પણ અધિક રહેતો નથી. દર્શનમોહનીયની સાથે નહિ તોપણ થોડા જ વખતમાં ચારિત્રમોહનીય પણ નષ્ટ થઈ જાય છે..
-અથવા એમ કહેવું જોઈએ કે ચારિત્રમોહનીય મિથ્યાત્વના અભાવમાં જોકે રહે તો છે પરંતુ જ્યાં સુધી ચારિત્રમોહનીય રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વની પણ પૂર્તિ થતી નથી, ક્ષાયિકસમ્યક્ત્વ પણ ‘કેવળસમ્યક્ત્વ’ નામ પામતું નથી કે જે રત્નત્રયની પૂર્ણતાનું ચિહ્ન છે.
ભાવાર્થઃ– અસ્થિરતા વગેરેના કારણે ઘાતિકર્મોના સમય સુધી સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી..
અથવા સમ્યક્ત્વ થઈ જવા છતાં પણ જ્ઞાન સદા સ્વાનુભૂતિમાં જ તો નથી રહેતું. જ્ઞાનનું જ્યારે બાહ્ય લક્ષ થઈ જાય છે ત્યારે સ્વાનુભૂતિથી ખસી જવાના કારણે સમ્યગ્દ્રષ્ટિ પણ વિષયોમાં અલ્પ તન્મય થઈ જાય છે; પરંતુ એ છદ્મસ્થજ્ઞાનની ચંચળતાનો દોષ છે અને તેનું કારણ પણ કષાય જ છે; પણ જ્ઞાનની કેવળ કષાય- નૈમિત્તિક ચંચળતા થોડા વખત સુધી જ રહી શકે છે, અને તે પણ તીવ્ર બંધનું કારણ થતી નથી.
ભાવાર્થઃ– સમ્યક્ત્વની ઉત્પત્તિથી સંસારની જડ તો તૂટી જાય છે પરંતુ બીજાં કર્મોનો તે જ ક્ષણે સર્વનાશ થતો નથી. કર્મ પોતપોતાની યોગ્યતા અનુસાર બંધાય છે તથા ઉદયમાં આવે છે. જુઓ, મિથ્યાત્વના સાથી ચારિત્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ ક્રોડાકોડી સાગરની હોય છે. એ ઉપરથી નક્કી થાય છે કે મિથ્યાત્વ જ બધા દોષોમાં અધિક બળવાન દોષ છે, અને તે જ દીર્ઘ અને અસલી સંસારની સ્થાપના કરે છે, તેથી તેનો નાશ કર્યો કે સંસારનો કિનારો આવી ગયો સમજવો; પરંતુ સાથે એ પણ ભૂલવું ન જોઈએ કે મોહ તો બન્ને છે, એક (દર્શનમોહ) અમર્યાદિત છે અને બીજો (ચારિત્રમોહ) મર્યાદિત છે-પરંતુ બન્ને સંસારનાં જ કારણો છે.
સંસારનું સંક્ષેપમાં સ્વરૂપ કહીએ તો તે દુઃખમય છે, તેથી આનુષંગિક ભલે દુઃખનાં નિમિત્તકારણ બીજાં કર્મ પણ હોય તોપણ મુખ્ય નિમિત્તકારણ મોહનીયકર્મ છે, જ્યારે સર્વ દુઃખનું કારણ (નિમિત્તપણે) મોહનીય કર્મ માત્ર છે તો મોહના નાશને સુખ કહેવું જોઈએ. જે ગ્રંથકાર મોહના નાશને સુખગુણની પ્રાપ્તિ માને છે તેનું માનવું મોહના સંયુક્ત કાર્યની અપેક્ષાએ વ્યાજબી છે. તે માનવું અભેદ-વ્યાપક દ્રષ્ટિથી છે; તેથી જે સુખને અનંત ચતુષ્ટયમાં ગર્ભિત કરે છે તે ચારિત્ર તથા સમ્યક્ત્વને જુદા ગણતા નથી, કેમકે સમ્યક્ત્વ તથા ચારિત્રના સામુદાયિક સ્વરૂપને સુખ કહી શકાય છે.