Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 122 of 655
PDF/HTML Page 177 of 710

 

૧૨૦] [મોક્ષશાસ્ત્ર નિમિત્ત છે. જીવને ક્ષાયિક ચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી સમ્યક્ત્વગુણની પૂરી શુદ્ધિ કઇ અપેક્ષાએ થઈ અને કઈ અપેક્ષાએ થઈ નથી એ આગળ બતાવાઈ ગયું છે. (જુઓ, પારા ર૧ પ્રશ્ન-૮).

(૯) પ્રશ્નઃ– સાત પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમાદિ થાય તે વ્યવહારસમ્યગ્દર્શન છે કે નિશ્ચયસમ્યગ્દર્શન છે?

ઉત્તરઃ– તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. પ્રશ્નઃ– સિદ્ધ ભગવંતોને વ્યવહારસમ્યગ્દર્શન હોય છે કે નિશ્ચયસમ્યગ્દર્શન હોય છે? ઉત્તરઃ– સિદ્ધોને નિશ્ચયસમ્યગ્દર્શન હોય છે. પ્રશ્નઃ– વ્યવહારસમ્યગ્દર્શન અને નિશ્ચયસમ્યગ્દર્શનમાં શું ફેર છે? ઉત્તરઃ– જીવાદિ નવ તત્ત્વોની તથા સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રની વિકલ્પસહિતની શ્રદ્ધા તેને વ્યવહારસમ્યક્ત્વ કહેવામાં આવે છે; જે જીવ તે વિકલ્પનો અભાવ કરી પોતાના શુદ્ધાત્મા તરફ વલણ કરી નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ કરે, તેને પૂર્વે વ્યવહારસમ્યકત્વ હતું એમ કહેવામાં આવે છે. જે જીવ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ ન કરે તેને તે વ્યવહારાભાસ સમ્યક્ત્વ છે. વ્યવહારસમ્યગ્દર્શનનો અભાવ કરીને જે જીવ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ કરે તેને વ્યવહારસમ્યગ્દર્શન ઉપચારથી (-એટલે કે વ્યય તરીકે- અભાવ તરીકે) નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ કહેવામાં આવે છે.

સમ્યગ્દ્રષ્ટિ જીવને વિપરીત અભિનિવેશરહિત આત્માનું શ્રદ્ધાન છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે; તથા દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન તે વ્યવહારસમ્યગ્દર્શન છે; એ પ્રમાણે એક કાળમાં સમ્યગ્દ્રષ્ટિને બન્ને સમ્યગ્દર્શન હોય છે. કેટલાક મિથ્યાદ્રષ્ટિને- દ્રવ્યલિંગી મુનિને અને કેટલાક અભવ્ય જીવને દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન હોય છે પણ તે આભાસમાત્ર હોય છે; કેમ કે તેમને નિશ્ચયસમ્યક્ત્વ નથી તેથી તેમનું વ્યવહારસમ્યક્ત્વ પણ આભાસરૂપછે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૩૭]

દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં પ્રવૃત્તિની મુખ્યતા છે. જે પ્રવૃત્તિમાં અરિહંતાદિકને દેવાદિક માને, અન્યને ન માને તેને દેવાદિકનો શ્રદ્ધાની કહેવામાં આવે છે. તત્ત્વશ્રદ્ધામાં વિચારની મુખ્યતા છે. જે જ્ઞાનમાં જીવાદિ તત્ત્વોને વિચારે છે તેને તત્ત્વશ્રદ્ધાની કહેવામાં આવે છે. એ બન્ને સમજ્યા પછી કોઈ જીવ રાગનો અંશે અભાવ કરી સમ્યકત્વ પ્રગટ કરે છે; તેથી એ બન્ને કોઈ જીવને સમ્યક્ત્વનાં (ઉપચારથી) કારણ કહેવામાં આવે છે; પરંતુ તેનો સદ્ભાવ મિથ્યાદ્રષ્ટિને પણ સંભવે છે તેથી તેનો વ્યવહાર વ્યવહારાભાસ છે.

[મોક્ષમાર્ગ-પ્રકાશક, પાનું-૩૩ર]