(૨૩)
પ્રશ્નઃ– આત્માની શુદ્ધોપલબ્ધિ જ્યાં સુધી છે ત્યાંસુધી જ્ઞાન જ્ઞાનચેતના છે અને તેટલું જ સમ્યગ્દર્શન છે એ ખરું છે?
ઉત્તરઃ– આત્માના અનુભવને શુદ્ધોપલબ્ધિ કહેવામાં આવે છે, તે ચારિત્રગુણનો પર્યાય છે. જ્યારે સમ્યગ્દ્રષ્ટિ પોતાના શુદ્ધોપયોગમાં જોડાયો હોય એટલે કે સ્વાનુભવરૂપ પ્રવર્તે ત્યારે તેને સમ્યક્ત્વ હોય છે; અને જ્યારે શુદ્ધોપયોગમાં જોડાયો ન હોય ત્યારે પણ તેને જ્ઞાનચેતના લબ્ધરૂપ હોય છે. જ્ઞાનચેતના અનુભવરૂપ હોય ત્યારે જ સમ્યગ્દર્શન હોય છે અને અનુભવરૂપ ન હોય ત્યારે હોતું નથી-એમ માનવું તે ભૂલ છે.
ક્ષાયિક સમ્યક્ત્વમાં જીવ શુભાશુભરૂપે પ્રવર્તે કે સ્વાનુભવરૂપ પ્રવર્તે પણ સમ્યક્ત્વ ગુણ તો સામાન્ય છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૪૬]
સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તે ક્રમેક્રમે ખીલતો નથી પણ અક્રમપણે એક સમયમાં પ્રગટે છે, અને સમ્યગ્જ્ઞાનમાં તો હીનતાઅધિકતા હોય છે, પણ તેમાં વિભાવપણું હોતું નથી. ચારિત્રગુણ પણ ક્રમેક્રમે ઉઘડે છે, તે અંશે શુદ્ધ અને અંશે અશુદ્ધ (રાગદ્વેષવાળો) નીચલી દશામાં હોય છે, એટલે એ પ્રમાણે ત્રણે ગુણના શુદ્ધ પર્યાયના વિકાસમાં તફાવત છે.
દર્શનપાહુડની રરમી ગાથામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે- “જો (અમે કહીએ છીએ તે) કરવાને સમર્થ હો તો કરજે, પણ જો કરવાને સમર્થ ન હો તો સાચી શ્રદ્ધા તો જરૂર કરવી, કેમ કે કેવળી ભગવાને શ્રદ્ધા કરવાવાળાને સમ્યક્ત્વ કહ્યું છે.”
આ ગાથા એમ બતાવે છે કે-જેણે નિજસ્વરૂપને ઉપાદેય જાણી શ્રદ્ધાન કર્યું તેને મિથ્યાભાવ તો મટયો, પણ પુરુષાર્થની નબળાઈથી ચારિત્ર અંગીકાર કરવાનું સામર્થ્ય ન હોય તો જેટલું સામર્થ્ય હોય તેટલું કરે અને તે સિવાયને માટે શ્રદ્ધા કરે; એવી શ્રદ્ધા કરવાવાળાને ભગવાને સમ્યક્ત્વ કહ્યું છે.
આ જ મતલબે નિયમસારજી ગાથા ૧પ૪ માં પણ કહેવામાં આવ્યું છે, કેમ કે સમ્યગ્દર્શન તે ધર્મનું મૂળ છે.