૧૨૬ ] [ મોક્ષશાસ્ત્ર
‘આત્મા કર્મથી બંધાયેલો છે કે આત્મા કર્મથી બંધાએલો નથી’ એવા બે પ્રકારના ભેદના વિચારમાં રોકાવું તે તો નયનો પક્ષ છે; ‘હું આત્મા છું, પરથી જુદો છું’ એવો વિકલ્પ તે પણ રાગ છે, એ રાગની વૃત્તિને-નયના પક્ષને ઓળંગે તો સમ્યગ્દર્શન પ્રગટે. “હું બંધાયેલો છું અથવા હું બંધ રહિત મુક્ત છું.” એવી વિચારશ્રેણીને ઓળંગી જઈને જે આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે અને તે જ શુદ્ધાત્મા છે.
‘હું અબંધ છું, બંધ મારું સ્વરૂપ નથી’ એવા ભંગની વિચારશ્રેણીના કાર્યમાં અટકવું તો અજ્ઞાન છે, અને તે ભંગના વિચારને ઓળંગીને અભંગ સ્વરૂપને સ્પર્શી લેવું (અનુભવી લેવું) તે જ પહેલો આત્મધર્મ એટલે કે સમ્યગ્દર્શન છે. ‘હું પરાશ્રય રહિત, અબંધ, શુદ્ધ છું.’ એવા નિશ્ચયનયના પડખાંનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગમાં રોકાય (રાગને જ સમ્યગ્દર્શન માની લ્યે પણ રાગરહિત સ્વરૂપને ન અનુભવે) તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
ભેદના વિકલ્પ આવે ખરા છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી
અનાદિથી આત્મસ્વરૂપનો અનુભવ નથી, પરિચય નથી; તેથી આત્માનો અનુભવ કરવા જતાં પહેલાં તે સંબંધી વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. અનાદિથી આત્માના સ્વરૂપનો અનુભવ નથી તેથી વૃત્તિઓનું ઉત્થાન થાય છે કે- ‘હું આત્મા કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું, આમ બે નયોના બે વિકલ્પ ઊઠે છે; પરંતુ- કર્મના સંબંધવાળો કે કર્મના સંબંધ વગરનો એટલે કે બદ્ધ છું કે અબદ્ધ છું.’ એવા બે પ્રકારના ભેદનો પણ એક સ્વરૂપમાં ક્યાં અવકાશ છે? સ્વરૂપ તો નયપક્ષની અપેક્ષાઓથી પાર છે. એક પ્રકારના સ્વરૂપમાં બે પ્રકારની અપેક્ષાઓ નથી. હું શુભાશુભભાવ રહિત છું એવા વિચારમાં અટકવું તે પણ પક્ષ છે. તેનાથી પણ પેલેપાર સ્વરૂપ છે. સ્વરૂપ તો પક્ષાતિક્રાંત છે, એ જ સમ્યગ્દર્શનનો વિષય છે એટલે કે તેના જ લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે સિવાય બીજો સમ્યગ્દર્શનનો ઉપાય નથી.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું? દેહની કોઈ ક્રિયાથી તો સમ્યગ્દર્શન નથી, જડ કર્મોથી નથી, અશુભ રાગ કે શુભરાગ થાય તેના લક્ષે પણ સમ્યગ્દર્શન નથી અને હું પુણ્યપાપના પરિણામોથી રહિત જ્ઞાયકસ્વરૂપ છું’ એવો જે વિચાર તે પણ સ્વરૂપનો અનુભવ કરાવવા સમર્થ નથી. ‘હું જ્ઞાયક છું’ એવા વિચારમાં અટક્યો તે ભેદના વિચારમાં અટક્યો છે, પરંતુ સ્વરૂપ તો જ્ઞાતાદ્રષ્ટા છે તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ભેદના વિચારમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી.