સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધાગુણનો નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે; સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. આ સમ્યગ્દર્શન જ આત્માના સર્વ સુખનું કારણ છે. ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, બંધરહિત છું’-આવો વિકલ્પ કરવો તે પણ શુભરાગ છે. તે શુભરાગનું અવલંબન પણ સમ્યગ્દર્શનને નથી; તે શુભ વિકલ્પને. અતિક્રમતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન પોતે રાગ અને વિકલ્પ રહિત નિર્મળ ગુણ છે, તેને કોઈ વિકારનું અવલંબન નથી પણ આખા આત્માનું અવલંબન છે- આખા આત્માને તે સ્વીકારે છે.
એક વાર વિકલ્પ રહિત થઈને અખંડ જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લીધો ત્યાં સમ્યગ્ભાન થયું. અખંડ સ્વભાવનું લક્ષ એ જ સ્વરૂપની શુદ્ધિ માટે કાર્યકારી છે. અખંડ સત્ય સ્વરૂપને જાણ્યા વિના-શ્રદ્ધા કર્યા વિના, ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, અબદ્ધસ્પૃષ્ટ છું’-એ વગેરે વિકલ્પો પણ આત્માની શુદ્ધિ માટે કાર્યકારી નથી. એકવાર અખંડ જ્ઞાયકસ્વભાવનું લક્ષ કર્યું પછી જે વૃત્તિ ઊઠે તે વૃત્તિઓ અસ્થિરતાનું કાર્ય કરે પરંતુ તે સ્વરૂપને રોકવા સમર્થ નથી, કેમકે શ્રદ્ધામાં તો વૃત્તિ-વિકલ્પરહિત સ્વરૂપ છે; તેથી વૃત્તિ ઊઠે તે શ્રદ્ધાને ફેરવી શકે નહિ... જો વિકલ્પમાં જ અટકી જાય તો તે મિથ્યાદ્રષ્ટિ છે. વિકલ્પ રહિત થઈને અભેદનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન છે; આ બાબતમાં કહ્યું છે કેઃ-
पक्खातिक्कंतो पुण भण्णदि जो सो समयसारो।। १४२।।