અ. ૧. પરિ. ૩ ] [ ૧૩૩
ભગવાને પોતાનું કાર્ય પૂરેપૂરું કર્યું પણ બીજાનું ભગવાને કાંઈ કર્યું નહિ, કેમકે એક તત્ત્વ પોતાપણે છે અને પરપણે નથી તેથી તે કોઈ બીજાનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય જુદાં-જુદાં સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ-આમ જાણવું તે જ ભગવાનના શાસ્ત્રની ઓળખાણ છે; તે જ શ્રુતજ્ઞાન છે.
કોઈ જીવ પરદ્રવ્યની પ્રભાવના કરી શકતો નથી, પરંતુ જૈનધર્મ એટલે કે આત્માનો વીતરાગ સ્વભાવ તેની પ્રભાવના ધર્મી જીવો કરે છે. આત્માને જાણ્યા વગર આત્માના સ્વભાવની વૃદ્ધિરૂપ પ્રભાવના કેવી રીતે કરે? પ્રભાવના કરવાનો વિકલ્પ ઊઠે તે પણ પરના કારણે નથી; બીજા માટે કાંઈ પણ પોતામાં થાય એમ કહેવું તે જૈનશાસનની મર્યાદામાં નથી. જૈનશાસન તો વસ્તુને સ્વતંત્ર, સ્વાધીન, પરિપૂર્ણ સ્થાપે છે.
ભગવાને બીજા જીવોની દયા સ્થાપી-એ વાત ખોટી છે. પરજીવની ક્રિયા આ જીવ કરી જ શકતો નથી તો પછી તેને બચાવવાનું ભગવાન કેમ કહે? ભગવાને તો આત્માના સ્વભાવને ઓળખીને કષાયભાવથી પોતાના આત્માને બચાવવો તે કરવાનું કહ્યું છે; તે જ ખરી દયા છે. પોતાના આત્માનો નિર્ણય કર્યા વગર જીવ શું કરશે? ભગવાનના શ્રુતજ્ઞાનમાં તો એમ કહ્યું છે કે- તું તારાથી પરિપૂર્ણ વસ્તુ છો, દરેક તત્ત્વ પોતાથી જ સ્વતંત્ર છે, કોઈ તત્ત્વને બીજા તત્ત્વનો આશ્રય નથી-આ પ્રમાણે વસ્તુના સ્વરૂપને છૂટું રાખવું તે અહિંસા છે, અને એકબીજાનું કરી શકે એમ વસ્તુને પરાધીન માનવી તે હિંસા છે.
જગતના જીવોને સુખ જોઈએ છે, સુખ કહો કે ધર્મ કહો. ધર્મ કરવો છે એટલે આત્મશાંતિ જોઈએ છે, સારું કરવું છે. સારું ક્યાં કરવું છે? આત્માની અવસ્થામાં દુઃખનો નાશ કરીને વીતરાગી આનંદ પ્રગટ કરવો છે. એ આનંદ એવો જોઈએ કે જે સ્વાધીન હોય-જેના માટે પરનું અવલંબન ન હોય.. આવો આનંદ પ્રગટાવવાની જેને યથાર્થ ભાવના હોય તે જિજ્ઞાસુ કહેવાય. પોતાનો પૂર્ણાનંદ પ્રગટાવવાની ભાવનાવાળો જિજ્ઞાસુ પહેલાં એ જુએ કે એવો પૂર્ણાનંદ કોને પ્રગટયો છે. પોતાને હજી તેવો