Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 133 of 655
PDF/HTML Page 188 of 710

 

૧૩૨ ] [ મોક્ષશાસ્ત્ર આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ... પરમાત્મરૂપ આત્માને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તે જ સમ્યગ્દર્શન અને જ્ઞાન છે.”

[જુઓ, સમયસાર ગાથા-૧૪૪ ટીકા]
આ પેરેગ્રાફ ઉપરનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છેઃ-
શ્રુતજ્ઞાન કોને કહેવું..?

“પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો” - આમ કહ્યું છે. શ્રુતજ્ઞાન કોને કહેવું? સર્વજ્ઞ ભગવાને કહેલું શ્રુતજ્ઞાન અસ્તિ-નાસ્તિ દ્વારા વસ્તુસ્વરૂપને સિદ્ધ કરે છે. અનેકાન્તસ્વરૂપ વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી’ -એમ જે વસ્તુને સ્વતંત્ર સિદ્ધ કરે છે તે શ્રુતજ્ઞાન છે.

પર વસ્તુને છોડવાનું કહે અથવા પર ઉપરના રાગને ઘટાડવાનું કહે-એ કાંઈ ભગવાને કહેલા શ્રુતજ્ઞાનનું લક્ષણ નથી. એક વસ્તુ પોતાપણે છે અને તે વસ્તુ અનંત પરદ્રવ્યથી છૂટી છે આમ અસ્તિ-નાસ્તિરૂપ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ પ્રકાશીને વસ્તુસ્વરૂપને જે બતાવે તે અનેકાન્ત છે અને તે જ શ્રુતજ્ઞાનનું લક્ષણ છે. વસ્તુ સ્વપણે છે અને પરપણે નથી-એમાં વસ્તુ કાયમ સિદ્ધ કરી છે.

શ્રુતજ્ઞાનનું વાસ્તવિક લક્ષણ–અનેકાન્ત

એક વસ્તુમાં ‘છે’ અને ‘નથી’ એવી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ જુદી- જુદી અપેક્ષાથી પ્રકાશીને વસ્તુનું પરથી ભિન્ન સ્વરૂપ જે બતાવે તે શ્રુતજ્ઞાન છે; આત્મા સર્વ પરદ્રવ્યોથી જુદી વસ્તુ છે એમ પ્રથમ શ્રુતજ્ઞાનથી નક્કી કરવું જોઈએ.

અનંત પરવસ્તુથી આ આત્મા જુદો છે એમ સિદ્ધ થતાં હવે પોતાના દ્રવ્યપર્યાયમાં જોવાનું આવ્યું. મારું ત્રિકાળી દ્રવ્ય તે એક સમય પૂરતી અવસ્થારૂપે નથી; એટલે કે વિકાર ક્ષણિક પર્યાયપણે છે પરંતુ ત્રિકાળી સ્વરૂપપણે વિકાર નથી- આમ વિકાર રહિત સ્વભાવની સિદ્ધિ પણ અનેકાંત વડે જ થાય છે. ભગવાનના કહેલાં સત્શાસ્ત્રોની મહત્તા અનેકાંતથી જ છે. ભગવાને પણ જીવોની દયા પાળવાનું કહ્યું કે અહિંસા બતાવી અથવા કર્મોનું વર્ણન કર્યું-એ કાંઈ ભગવાનને કે ભગવાનના કહેલા શાસ્ત્રને ઓળખવાનું ખરું લક્ષણ નથી.