જે જીવ જિજ્ઞાસુ થઈ સ્વભાવ સમજવા માગે છે તે સુખ લેવા અને દુઃખ ટાળવા માગે છે. સુખ પોતાનો સ્વભાવ છે અને વર્તમાનમાં જે દુઃખ છે તે ક્ષણિક છે તેથી ટળી શકે છે. વર્તમાન દુઃખઅવસ્થા ટાળીને સુખરૂપ અવસ્થા પોતે પ્રગટ કરી શકે છે; આટલું તો, જે સત્ સમજવા માગે છે તેણે સ્વીકારી લીધું જ છે. આત્માએ પોતાના ભાવમાં પુરુષાર્થ કરી વિકાર રહિત સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. વર્તમાન વિકાર હોવા છતાં વિકાર રહિત સ્વભાવની શ્રદ્ધા કરી શકાય છે એટલે કે આ વિકાર અને દુઃખ મારું સ્વરૂપ નથી એમ નક્કી થઈ શકે છે.
જિજ્ઞાસુ જીવોને સ્વરૂપનો નિર્ણય કરવા માટે પહેલી જ જ્ઞાનક્રિયા શાસ્ત્રોએ બતાવી છે. સ્વરૂપનો નિર્ણય કરવા માટે બીજું કાંઈ દાન, પૂજા, ભક્તિ કે વ્રત- તપાદિ કરવાનું કહ્યું નથી, પરંતુ શ્રુતજ્ઞાનથી આત્માનો નિર્ણય કરવાનું જ કહ્યું છે. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર તરફનો આદર અને તે તરફનું વલણ તો ખસી જ જવું જોઈએ તથા વિષયાદિ પરવસ્તુમાં સુખબુદ્ધિ ટળી જવી જોઈએ, બધા તરફથી રુચિ ટળીને પોતાની તરફ રુચિ વળવી જોઈએ અને દેવ, ગુરુ, શાસ્ત્રને યથાર્થપણે ઓળખી તે તરફ આદર કરે, અને આ બધું જો સ્વભાવના લક્ષે થયેલ હોય તો તે જીવને પાત્રતા થઈ કહેવાય. આટલી પાત્રતા તે હજી સમ્યગ્દર્શનનું મૂળ કારણ નથી, સમ્યગ્દર્શનનું મૂળ કારણ તો ચૈતન્યસ્વભાવનું લક્ષ કરવું તે છે, પરંતુ પ્રથમ તો કુદેવાદિનો સર્વથા ત્યાગ તથા સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્સમાગમનો પ્રેમ તો પાત્ર જીવોને હોય જ. એવા પાત્ર થયેલા જીવોએ આત્માનું સ્વરૂપ સમજવા શું કરવું તે અહીં સ્પષ્ટ બતાવ્યું છે.
સમ્યગ્દર્શનના ઉપાય માટે જ્ઞાનીઓએ બતાવેલી ક્રિયા
“પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન- તત્ત્વને