૧૩૦ ] [ મોક્ષશાસ્ત્ર
અનાદિથી આત્માના અખંડ રસને સમ્યગ્દર્શન વડે જાણ્યો નથી એટલે પરમાં અને વિકલ્પમાં જીવ રસ માની રહ્યો છે; પણ હું અખંડ એકરૂપ સ્વભાવ છું તેમાં જ મારો રસ છે, પરમાં ક્યાંય મારો રસ નથી- એમ સ્વભાવદ્રષ્ટિના જોરે એકવાર બધાને નિરસ બનાવી દે! શુભ વિકલ્પ ઊઠે તે પણ મારી શાંતિનું સાધન નથી, મારી શાંતિ મારા સ્વરૂપમાં છે, આમ સ્વરૂપના રસના અનુભવમાં સમસ્ત સંસારને નિરસ બનાવી દે! તને સહજાનંદ સ્વરૂપના અમૃતરસની અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે. તેનો ઉપાય સમ્યગ્દર્શન જ છે.
અનંતકાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંત કાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુકિત પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ ગ્રહણ કરીને પોતાના સિદ્ધસ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે.. અને તેનો ઉપાય એક માત્ર સમ્યગ્દર્શન છે.