Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 130 of 655
PDF/HTML Page 185 of 710

 

અ. ૧. પરિ. ૨ ] [ ૧૨૯ આખા દ્રવ્યને, ઊઘડેલા પર્યાયને અને વિકારને જેમ છે તેમ જાણીને, ‘પરિપૂર્ણ સ્વભાવ તે હું, વિકાર રહ્યો તે હું નહિ’ એમ વિવેક કર્યો ત્યારે તે સમ્યક્ થયું છે. સમ્યગ્દર્શનરૂપ ઊઘડેલા પર્યાયને (૧) સમ્યગ્દર્શનના વિષયભૂત પરિપૂર્ણ વસ્તુને (ર) અને અવસ્થાની ઊણપને (૩)-એ ત્રણેને જેમ છે તેમ સમ્યગ્જ્ઞાન જાણે છે; અવસ્થાનો સ્વીકાર જ્ઞાનમાં છે. આ રીતે સમ્યગ્દર્શન તો એક નિશ્ચયને જ (અભેદ સ્વરૂપને જ) સ્વીકારે છે, અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી (સાથે જ રહેતું) સમ્યગ્જ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બન્નેને બરાબર જાણીને વિવેક કરે છે. જો નિશ્ચય-વ્યવહાર બન્નેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક્) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દ્રષ્ટિ ખોટી ઠરે છે અને જો વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું ઠરે છે. જ્ઞાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે ત્યારે તે સમ્યક્ છે અને દ્રષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે તો તે સમ્યક્ છે.

સમ્યગ્દર્શનનો વિષય શું? મોક્ષનું પરમાર્થ કારણ કોણ?

સમ્યગ્દર્શનના વિષયમાં મોક્ષપર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી, દ્રવ્ય જ પરિપૂર્ણ છે તે સમ્યગ્દર્શનને માન્ય છે. બંધ-મોક્ષ પણ સમ્યગ્દર્શનને માન્ય નથી. બંધ-મોક્ષનો પર્યાય, સાધકદશાના ભંગ-ભેદ એ બધાને સમ્યગ્જ્ઞાન જાણે છે.

સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે તે જ મોક્ષનું પરમાર્થકારણ છે. પંચમહાવ્રતાદિને કે વિકલ્પને મોક્ષનું કારણ કહેવું તે તો સ્થૂળ વ્યવહાર છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધક અવસ્થાને મોક્ષનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે કેમકે તે સાધક અવસ્થાનો પણ જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષદશા પ્રગટે છે, એટલે તે પણ અભાવરૂપ કારણ છે માટે વ્યવહાર છે.

ત્રિકાળી અખંડ વસ્તુ છે તે જ મોક્ષનું નિશ્ચયકારણ છે. પરમાર્થે તો વસ્તુમાં કારણ-કાર્યના ભેદ પણ નથી, કાર્ય-કારણના ભેદ પણ વ્યવહાર છે. એક અખંડ વસ્તુમાં કાર્ય-કારણના ભેદના વિચારથી વિકલ્પ આવે છે તેથી તે પણ વ્યવહાર છે; છતાં વ્યવહારપણે પણ કાર્ય-કારણના ભેદ સર્વથા ન જ હોય તો મોક્ષદશા પ્રગટાવવાનું પણ કહી શકાય નહિ. એટલે અવસ્થામાં સાધકસાધ્યના ભેદ છે; પરંતુ અભેદના લક્ષ વખતે વ્યવહારનું લક્ષ હોય નહિ કેમકે વ્યવહારના લક્ષમાં ભેદ આવે છે અને ભેદના લક્ષે પરમાર્થ-અભેદ સ્વરૂપ લક્ષમાં આવતું નથી; તેથી સમ્યગ્દર્શનના લક્ષ્યમાં ભેદ આવતા નથી, એકરૂપ અભેદ વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે.