૧પ૦ ] [ મોક્ષશાસ્ત્ર છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી સિદ્ધભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિક અને કેવળી-સિદ્ધભગવાનને સમ્યક્ત્વગુણ તો સમાન જ કહ્યો. વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો કે- ‘સંવર-નિર્જરા વડે મોક્ષનો ઉપાય કરવો,’ હવે મુક્તઅવસ્થા થતાં એમ માનવા લાગ્યો કે-‘સંવરનિર્જરા વડે મને મુક્તદશા પ્રાપ્ત થઈ.’ પહેલાં જ્ઞાનની હીનતાથી જીવાદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવળજ્ઞાન થતાં તેના સર્વ ભેદો જાણે છે પરંતુ મૂળભૂત જીવાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે. જોકે કેવળી-સિદ્ધભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે તોપણ તે પદાર્થો પ્રયોજનભૂત નથી તેથી સમ્યક્ત્વગુણના સાત તત્ત્વોનું શ્રદ્ધાન જ ગ્રહણ કર્યું છે. કેવળી-સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસારઅવસ્થાને ઇચ્છતા નથી તે આ શ્રદ્ધાનનું જ બળ જાણવું.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શનને તો મોક્ષમાર્ગ કહ્યો હતો, તો મોક્ષમાં તેનો સદ્ભાવ કેવી રીતે કહો છો?
ઉત્તરઃ– કોઈ કારણો એવાં પણ હોય છે કે-કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતાં નથી. જેમકે કોઈ વૃક્ષને કોઈ એક શાખા વડે અનેક શાખાયુક્ત અવસ્થા થઈ હોય, તેના હોવા છતાં પણ તે એક શાખા નષ્ટ થતી નથી; તેમ કોઈ આત્માને સમ્યક્ત્વગુણ વડે અનેક ગુણયુક્ત મોક્ષઅવસ્થા પ્રગટ થઈ, હવે તે હોવા છતાં પણ સમ્યક્ત્વગુણ નષ્ટ થતો નથી. એ પ્રમાણે કેવળી-સિદ્ધભગવાનને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ હોય છે જ માટે ત્યાં અવ્યાપ્તિપણું નથી.
પ્રશ્નઃ– મિથ્યાદ્રષ્ટિને પણ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણ હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે, અને શ્રી પ્રવચનસારમાં આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે. માટે સમ્યક્ત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું તેમાં અતિવ્યાપ્તિદૂષણ લાગે છે?
ઉત્તરઃ– મિથ્યાદ્રષ્ટિને જે તત્ત્વશ્રદ્ધાન કહ્યું છે તે નામનિક્ષેપથી કહ્યું છે, જેમાં તત્ત્વશ્રદ્ધાનનો ગુણ તો નથી પણ વ્યવહારમાં જેનું નામ તત્ત્વશ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યાદ્રષ્ટિને હોય છે અથવા આગમદ્રવ્યનિક્ષેપથી હોય છે, અર્થાત્ તત્ત્વાર્થશ્રદ્ધાનનાં પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ છે પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી, એમ જાણવું; અને અહીં જે સમ્યક્ત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું, તે તો ભાવનિક્ષેપથી કહ્યું છે એટલે ગુણ સહિત સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન મિથ્યાદ્રષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું છે ત્યાં પણ એ જ અર્થ