અ. ૧. પરિ. ૪ ] [ ૧પ૧ જાણવો; કારણ કે-જેને જીવ-અજીવાદિનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન હોય? અવશ્ય હોય જ. એ પ્રમાણે કોઈ પણ મિથ્યાદ્રષ્ટિને સાચુ તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વથા હોતું નથી, માટે એ લક્ષણમાં અતિવ્યાપ્તિ દૂષણ લાગતું નથી.
વળી આ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે તે અસંભવદૂષણયુક્ત પણ નથી. કારણ કે સમ્યક્ત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ જ છે અને તેનું લક્ષણ આનાથી વિપરીતતા સહિત છે.
એ પ્રમાણે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવપણાથી રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વ સમ્યગ્દ્રષ્ટિઓને તો હોય છે તથા કોઈ પણ મિથ્યાદ્રષ્ટિઓને હોતું નથી તેથી સમ્યગ્દર્શનનું સાચું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન જ છે.
(૧) પ્રશ્નઃ– અહીં સાત તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ કહ્યો પણ તે બનતો નથી, કારણ કે-કોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાનને પણ સમ્યક્ત્વ કહે છે. શ્રી સમયસારમાં ‘एकत्वे नियतस्य’ ઇત્યાદિ કળશ લખ્યા છે તેમાં એમ કહ્યું છે કે- ‘આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યગ્દર્શન છે, તેથી નવ તત્ત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાઓ.’ વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યક્ત્વ કહે છે. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં ‘दर्शनमात्मविनिश्चितिः’ એવું પદ છે તેનો પણ એ જ અર્થ છે, માટે જીવ-અજીવનું જ વા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતાં પણ સમ્યક્ત્વ હોય છે. જો સાત તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ હોત તો આ શા માટે લખત?
ઉત્તરઃ– પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આસ્રવાદિકના શ્રદ્ધાનથી રહિત હોય છે કે સહિત હોય છે? જો રહિત હોય છે તો મોક્ષના શ્રદ્ધાન વિના તે ક્યા પ્રયોજન અર્થે આવો ઉપાય કરે છે? સંવર-નિર્જરાના શ્રદ્ધાન વિના રાગાદિ રહિત થઈ પોતાના સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો ઉદ્યમ તે શા માટે રાખે છે? આસ્રવબંધના શ્રદ્ધાન વિના તે પૂર્વ અવસ્થાને શા માટે છોડે છે? કારણ કે-આસ્રવાદિના શ્રદ્ધાનરહિત સ્વ-પરનું શ્રદ્ધાન કરવું સંભવતું નથી; અને જો આસ્રવાદિકના શ્રદ્ધાનસહિત છે તો ત્યાં સ્વયં સાતે તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ થયો. વળી કેવળ આત્માનો નિશ્ચય છે ત્યાં પણ પરનું પરરૂપ શ્રદ્ધાન થયા વિના આત્માનું શ્રદ્ધાન થાય નહિ માટે અજીવનું શ્રદ્ધાન થતાં જ જીવનું શ્રદ્ધાન થાય છે, અને પ્રથમ કહ્યા પ્રમાણે આસ્રવાદિનું શ્રદ્ધાન પણ ત્યાં અવશ્ય હોય છે; તેથી અહીં પણ સાતે તત્ત્વોના જ શ્રદ્ધાનનો નિયમ જાણવો.