૧પ૪ ] [ મોક્ષશાસ્ત્ર છે. અથવા જે નિમિત્તથી તેને તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અરહંતદેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે માટે સમ્યગ્દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો નિયમ છે.
(પ) પ્રશ્નઃ– કોઈ જીવ અરહંતાદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે છતાં તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ હોતું નથી, માટે જેને સાચું અરહંતાદિકનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ, એવો નિયમ સંભવતો નથી?
ઉત્તરઃ– તત્ત્વશ્રદ્ધાન વિના અરહંતાદિકના છેતાળીસ આદિ ગુણો તે જાણે છે ત્યાં પર્યાયાશ્રિત ગુણોને પણ તે જાણતો નથી. કારણ કે જીવ-અજીવની જાતિ ઓળખ્યા વિના અરહંતાદિકના આત્માશ્રિત અને શરીરાશ્રિત ગુણોને તે ભિન્ન જાણતો નથી, જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન માને? તેથી જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે-
અર્થઃ– જે અરહંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે. માટે જેને જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન નથી તેને અરહંતાદિકનું પણ સાચું શ્રદ્ધાન નથી. વળી તે મોક્ષાદિક તત્ત્વોના શ્રદ્ધાન વિના અરહંતાદિનું માહાત્મ્ય પણ યથાર્થ જાણતો નથી, માત્ર લૌકિક અતિશયાદિ વડે અરહંતનું, તપશ્ચરણાદિ વડે ગુરુનું અને પરજીવોની અહિંસાદિ વડે ધર્મનું માહાત્મ્ય જાણે છે. પણ એ તો પરાશ્રિતભાવ છે અને અરહંતાદિકનું સ્વરૂપ તો આત્માશ્રિતભાવો વડે તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે, માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ, એવો નિયમ જાણવો. એ પ્રમાણે સમ્યક્ત્વનું લક્ષણ નિર્દેશ કર્યું.
(૬) પ્રશ્નઃ– સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન, આત્મશ્રદ્ધાન તથા દેવ- ગુરુ-ધર્મનું શ્રદ્ધાન સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું અને એ સર્વ લક્ષણોની પરસ્પર એકતા પણ દર્શાવી તે તો જાણ્યું, પરંતુ આમ અન્ય અન્ય પ્રકારથી લક્ષણ કરવાનું શું પ્રયોજન?
ઉત્તરઃ– ચાર લક્ષણો કહ્યાં તેમાં સાચી દ્રષ્ટિપૂર્વક કોઈ એક લક્ષણ ગ્રહણ કરતાં ચારે લક્ષણોનું ગ્રહણ થાય છે તોપણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યાં છે.
૧-જ્યાં તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે, જો એ તત્ત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા હિત-અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે.