Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 157 of 655
PDF/HTML Page 212 of 710

 

૧પ૬ ] [ મોક્ષશાસ્ત્ર વસ્ત્રાદિમાં પરબુદ્ધિ છે, તેવી આત્મામાં અહંબુદ્ધિ અને શરીરમાં પરબુદ્ધિ તેને થતી નથી. તે આત્માને જિનવચનાનુસાર ચિંતવે છે પરંતુ પ્રતીતિપણે આપને આપરૂપ શ્રદ્ધાન કરતો નથી; તથા અરહંતાદિ વિના અન્ય કુદેવાદિકને તે માનતો નથી; પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. એ પ્રમાણે એ લક્ષણાભાસો મિથ્યાદ્રષ્ટિને હોય છે; તેમાં કોઈ હોય, કોઈ ન હોય; પરંતુ તેને અહીં ભિન્નપણું પણ સંભવતું નથી. બીજું એ લક્ષણાભાસોમાં એટલું વિશેષ છે કે-પહેલાં તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્ત્વોનો વિચાર થાય, પછી સ્વ-પરનું ચિંતવન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે, એ અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષમાર્ગને પામી જીવ સિદ્ધપદને પણ પામે, તથા એ અનુક્રમનું ઉલ્લંઘન કરે તેને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે જે જીવ પોતાનું ભલું કરવા ઇચ્છે છે તેણે તો જ્યાં સુધી સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને પણ અનુક્રમથી અંગીકાર કરવાં.

સમ્યગ્દર્શન માટે અભ્યાસનો ક્રમ

પ્રથમ તો આજ્ઞાદિ વડે વા કોઈ પરીક્ષા વડે કુદેવાદિની માન્યતા છોડી અરહંતદેવાદિનું શ્રદ્ધાન કરવું, કારણ કે-એનું શ્રદ્ધાન થતાં ગૃહીતમિથ્યાત્વનો તો અભાવ થાય છે, કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને અરહંતદેવાદિકનું નિમિત્ત મળે છે માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો, તેનાં નામ-લક્ષણાદિ શીખવાં, કારણ કે-એના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે-એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. કારણ કે-એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કોઈ વેળા સ્વ- પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી સત્યસમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.

(૮) પ્રશ્નઃ– સમ્યક્ત્વનાં લક્ષણ તો અનેક પ્રકારનાં કહ્યાં છે, તેમાં અહીં તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને જ મુખ્ય કહ્યું તેનું શું કારણ?

ઉત્તરઃ– તુચ્છબુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ ઊપજે છે તથા આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ ઉપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કર્યુ છે. એ જ અહીં દર્શાવવામાં આવે છે-