અ. ૧. પરિ. ૪ ] [ ૧પ૭
દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે છે કે અરહંતદેવાદિકને જ માનવા તથા અન્યને ન માનવા એટલું જ સમ્યક્ત્વ છે, પણ ત્યાં જીવ-અજીવના બંધ-મોક્ષના કારણ-કાર્યનું સ્વરૂપ ભાસે નહિ અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય નહિ, વા જીવાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એ જ શ્રદ્ધાનમાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને, વા એક કુદેવાદિ પ્રત્યે દ્વેષ તો રાખે પણ અન્ય રાગાદિ છોડવાનો ઉદ્યમ ન કરે, એવો ભ્રમ ઊપજે. વળી સ્વ-પરના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે-એક સ્વ-પરનું જાણવું જ કાર્યકારી છે અને તેનાથી જ સમ્યક્ત્વ થાય છે. પણ ત્યાં આસ્રવાદિકનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા આસ્રવાદિકનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલું જ જાણવામાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની સ્વછંદી થાય પણ રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઊપજે, તથા આત્મશ્રદ્ધાનલક્ષણમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે-એક આત્માનો જ વિચાર કાર્યકારી છે અને તેનાથી જ સમ્યક્ત્વ થાય છે, પણ ત્યાં જીવ-અજીવાદિના વિશેષો વા આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા જીવાદિના વિશેષોનું અને આસ્રવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ વિચારથી પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની સ્વચ્છંદી બની રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઊપજે. એમ જાણી એ લક્ષણોને મુખ્ય કર્યાં નહિ, અને તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણમાં જીવ-અજીવાદિ વા આસ્રવાદિનું શ્રદ્ધાન થયું ત્યાં તે સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય. વળી એ શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થવા છતાં પણ પોતે સંતુષ્ટ થતો નથી પરંતુ આસ્રવાદિનું શ્રદ્ધાન થવાથી રાગાદિક છોડી મોક્ષનો ઉદ્યમ રાખે છે. એ પ્રમાણે તેને ભ્રમ ઊપજતો નથી માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે. અથવા તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં દેવાદિકનું શ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન, વા આત્મશ્રદ્ધાન ગર્ભિત હોય છે તે તુચ્છબુદ્ધિવાનને પણ ભાસે છે પણ અન્ય લક્ષણોમાં તત્ત્વાર્થશ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષ બુદ્ધિવાન હોય તેને જ ભાસે છે, પણ તુચ્છબુદ્ધિવાનને ભાસતું નથી; માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે. અથવા મિથ્યાદ્રષ્ટિને એ આભાસમાત્ર હોય છે; ત્યાં તત્ત્વાર્થોનો વિચાર તો વિપરીતાભિનિવેશ દૂર કરવામાં શીઘ્ર કારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીઘ્ર કારણરૂપ થતાં નથી વા વિપરીતાભિનિવેશમાં પણ કારણ થઈ જાય છે તેથી અહીં સર્વપ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાન જ સમ્ય્ત્વનું લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તે જ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.