૧૭૮ ] [ મોક્ષશાસ્ત્ર ભાવમોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયના કારણે બંધ થતો હોય તો સંસારીને સર્વદા કર્મનો ઉદય વિદ્યમાન છે તેથી સર્વદા બંધ થાય, કદી મોક્ષ થાય જ નહિ, માટે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ જીવનું ભાવમોહરૂપે પરિણમન તે બંધનું કારણ છે.
૬. પ્રશ્નઃ– પારિણામિકભાવને પર્યાયરૂપે કોઈ ગુણસ્થાને વર્ણવેલ છે? ઉત્તરઃ– હા, બીજું ગુણસ્થાન દર્શનમોહનીયકર્મની ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય-એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી એટલું બતાવવા ત્યાં શ્રદ્ધા અપેક્ષાએ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આ જીવ ચારિત્રમોહ સાથે જોડાય છે તે તો ઔદયિક ભાવ છે, તે જીવને જ્ઞાન-દર્શન અને વીર્યનો ક્ષાયોપશમિકભાવ છે અને સર્વ જીવોને (દ્રવ્યાર્થિકનયે) અનાદિ અનંત પારિણામિક ભાવ હોય છે તે આ ગુણસ્થાને વર્તતા જીવને પણ હોય છે.
૭. પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવો વિકારી ભાવોને-અપૂર્ણદશાને આત્માનું સ્વરૂપ માનતા નથી અને આ સૂત્રમાં તેવા ભાવોને આત્માનું સ્વતત્ત્વ કહ્યું તેનું શું કારણ?
ઉત્તરઃ– વિકારી ભાવ અને અપૂર્ણ અવસ્થા આત્માની વર્તમાન ભૂમિકામાં આત્માના પોતાના દોષના કારણે થાય છે, પણ કોઈ જડ કર્મના કારણે કે પરદ્રવ્યના કારણે થતી નથી એમ બતાવવા માટે આ સૂત્રમાં તે ભાવને ‘સ્વતત્ત્વ’ કહેલ છે.
જીવે તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરવો, તેનાથી ઔપશમિકાદિ સમ્યક્ત્વ સ્વયં થાય છે. દ્રવ્યકર્મના ઉપશમાદિક તે તો પુદ્ગલની શક્તિ (પર્યાય) છે; જીવ તેનો કર્તા-હર્તા નથી. પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવાનું કામ જીવનું છે; જીવે પોતે તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવો જોઈએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયની સિદ્ધિ આપોઆપ થાય છે. જીવ પુરુષાર્થ વડે જ્યારે તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે છે ત્યારે તેને વિશુદ્ધતા વધે છે, કર્મોનો રસ સ્વયં હીન થાય છે અને કેટલાક કાળે જ્યારે પોતાના પુરુષાર્થ વડે જીવમાં પ્રથમ ઔપશમિકભાવે પ્રતીતિ પ્રગટે છે ત્યારે દર્શનમોહનો આપોઆપ ઉપશમ થાય છે. જીવનું કર્તવ્ય તો તત્ત્વના નિર્ણયનો અભ્યાસ છે; જીવ જ્યારે તત્ત્વનિર્ણયમાં ઉપયોગ લગાવે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં જ થાય છે, કર્મના ઉપશમમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી.