Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 185 of 655
PDF/HTML Page 240 of 710

 

અ. ૨. સૂત્ર ૭ ] [ ૧૮પ

પારિણામિક શબ્દનો અર્થઃ– કર્મના ઉદયાદિની અપેક્ષા વગર આત્મામાં જે ગુણ મૂળથી રહેવાવાળા છે તેને ‘પારિણામિક’ કહે છે.

(ર) વિશેષ ખુલાસો

૧. પાંચ ભાવોમાં ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ (વર્તમાન વર્તતી દશારૂપ) છે, અને પાંચમો શુદ્ધ પારિણામિકભાવ છે તે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તેથી તે દ્રવ્યરૂપ છે; આ રીતે આત્મપદાર્થ દ્રવ્ય અને પર્યાય સહિત (-જે વખતે જે પર્યાય હોય તે સહિત) છે.

ર. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ પારિણામિકભાવોમાં જે શુદ્ધ જીવત્વભાવ છે તે શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ શુદ્ધ પારિણામિકભાવ છે અને તે બંધ-મોક્ષ પર્યાય (-પરિણતિ) રહિત છે એમ સમજવું.

૩. જે દશ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ છે તે વર્તમાન વર્તતી અવસ્થાના આશ્રયે હોવાથી (-પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી) અશુદ્ધ પારિણામિકભાવ સમજવા. જેમ સર્વ સંસારી જીવો શુદ્ધનયે શુદ્ધ છે તેમ જો અવસ્થાદ્રષ્ટિએ પણ શુદ્ધ છે એમ માનવામાં આવે તો દશ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વનો અભાવ જ થાય.

૪. ભવ્યત્વ અને અભવ્યત્વમાં ભવ્યત્વ નામનો જે અશુદ્ધપારિણામિકભાવ છે તે ભવ્ય જીવોને હોય છે; તે ભાવ જોકે દ્રવ્યકર્મની અપેક્ષા રાખતો નથી તોપણ તે જીવના સમ્યક્ત્વાદિ ગુણ જ્યારે ઢંકાયેલા હોય છે ત્યારે તેમાં જે જડકર્મ નિમિત્ત છે તે કર્મને ભવ્યત્વની અશુદ્ધતામાં ઉપચારથી નિમિત્ત કહેવાય છે. તે જીવ જ્યારે પોતાની પાત્રતા વડે જ્ઞાનીની દેશના સાંભળી સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને પોતાના ચારિત્રમાં સ્થિર થાય છે ત્યારે તેને ભવ્યત્વ શક્તિ પ્રગટ (-વ્યક્ત) થાય છે, -તે જીવ સહજ શુદ્ધ પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવા પોતાના પરમાત્મદ્રવ્યમય સમ્યક્શ્રદ્ધા, જ્ઞાન અને અનુચરણરૂપ અવસ્થા (-પર્યાય પ્રગટ) કરે છે.

[જુઓ, સમયસાર-હિન્દી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા, પા. ૪૨૩]

પ. પર્યાયાર્થિકનયે કહેવામાં આવતો ભવ્યત્વભાવનો અભાવ મોક્ષદશામાં થાય છે, એટલે કે જ્યારે જીવમાં સમ્યગ્દર્શનાદિ ગુણની પૂર્ણતા થઈ જાય છે ત્યારે ભવ્યત્વનો વ્યવહાર મટી જાય છે. [જુઓ, અધ્યાય ૧૦ સૂત્ર-૩]