૧૮૪ ] [ મોક્ષશાસ્ત્ર કાર્ય કર્યુ’ એમ કહેવાય છે, ત્યાં તેના કાર્યનો કાળો રંગ નથી પણ તે કાર્યમાં તેનો તીવ્ર માઠો ભાવ હોવાથી તેને ‘કાળું’ કહેવામાં આવે છે, અને એ ભાવઅપેક્ષાએ તેને કૃષ્ણલેશ્યા કહેવામાં આવે છે. જેમ જેમ વિકારની તીવ્રતામાં ઓછાપણું હોય છે તેમ તેમ તે ભાવને ‘નીલ લેશ્યા’ વગેરે નામ આપવામાં આવે છે. શુક્લલેશ્યા એ પણ શુભ ઔદયિકભાવમાં હોય છે, શુક્લલેશ્યા એ કાંઈ ધર્મ નથી. તે લેશ્યા તો મિથ્યાદ્રષ્ટિઓને પણ થાય છે. પુણ્યની તારતમ્યતામાં ઊંચો પુણ્યભાવ હોય ત્યારે શુક્લલેશ્યા હોય છે, તે ઔદયિકભાવ છે અને તેથી તે સંસારનું કારણ છે, ધર્મનું કારણ નથી.
પ્રશ્નઃ– ભગવાનને તેરમા ગુણસ્થાને કષાય નથી છતાં તેમને શુક્લલેશ્યા કેમ કહી છે?
ઉત્તરઃ– ભગવાનને શુક્લલેશ્યા ઉપચારથી કહી છે. પૂર્વે યોગ સાથે લેશ્યાનું સહકારીપણું હતું તે યોગ તેરમા ગુણસ્થાને વિદ્યમાન હોવાથી ઉપચારથી ત્યાં લેશ્યા પણ કહી છે. લેશ્યાનું કાર્ય કર્મબંધ છે, ભગવાનને કષાય નથી તોપણ યોગ હોવાથી એક સમયનો બંધ છે તે અપેક્ષા લક્ષમાં રાખી ઉપચારથી શુક્લલેશ્યા કહી છે.
અજ્ઞાનઃ– જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન-એ અર્થમાં અહીં અજ્ઞાન લીધું છે, કુજ્ઞાનને અહીં લીધું નથી, કુજ્ઞાનને તો ક્ષાયોપશમિકભાવમાં લીધું છે. ।। ૬।।
પારિણામિકભાવના ત્રણ ભેદો છે.
સામાન્યગુણોનું પણ ગ્રહણ થાય છે.
ભવ્યત્વ–મોક્ષ પામવાને લાયક જીવને ‘ભવ્યત્વ’ હોય છે. અભવ્યત્વ–મોક્ષ પામવાને કદી લાયક થતા નથી એવા જીવને ‘અભવ્યત્વ’ હોય છે.
ભવ્યત્વ અને અભવ્યત્વ ગુણો છે, તે બન્ને અનુજીવી ગુણો છે; કર્મના સદ્ભાવ કે અભાવની અપેક્ષાએ તે નામો આપવામાં આવ્યાં નથી.