Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 200 of 655
PDF/HTML Page 255 of 710

 

૨૦૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

(૧) એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો નિયમથી અસંજ્ઞી જ હોય છે. પંચેન્દ્રિયોમાં તિર્યંચો સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે; બાકીના મનુષ્ય, દેવ અને નારકીના જીવો નિયમથી સંજ્ઞી જ હોય છે.

(૨) મનવાળા-સંજ્ઞી જીવો સત્ય-અસત્યનો વિવેક કરી શકે છે. (૩) મન બે પ્રકારના છે-દ્રવ્યમન અને ભાવમન. પુદ્ગલદ્રવ્યના- મનોવર્ગણાસ્કંધોનું આઠ પાંખડીવાળા કમળના આકારનું મન હૃદયસ્થાનમાં હોય છે તે દ્રવ્યમન છે; તે સૂક્ષ્મપુદ્ગલસ્કંધ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી. આત્માની ખાસ પ્રકારની વિશુદ્ધિ તે ભાવમન છે; તે વડે જીવ શિક્ષા લેવા, ક્રિયા (કૃત્ય) સમજવા, ઉપદેશ તથા આલાપ (Recitation) માટે લાયક છે, તેના નામથી બોલાવતાં તે પાસે આવે છે.

(૪) હિતમાં પ્રવર્તવાની અથવા અહિતથી દૂર રહેવાની શિક્ષા જે ગ્રહણ કરે છે તે સંજ્ઞી છે, અને હિત-અહિતની શિક્ષા, ક્રિયા, ઉપદેશ વગેરેનું જે ગ્રહણ નથી કરતા તે અસંજ્ઞી છે.

(પ) નોઇન્દ્રિયાવરણના ક્ષયોપશમ સહિત અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશો ભાવમન છે. સંજ્ઞી જીવોને ભાવમનને લાયક નિમિત્તરૂપ વીર્યાંત્તરાય તથા મન-નોઇંદ્રિયાવરણ નામના જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ સ્વયં હોય છે.

(૬) દ્રવ્યમન-જડ પુદ્ગલ છે, તે પુદ્ગલવિપાકી કર્મ-ઉદયના ફળરૂપ છે. જીવની વિચારાદિ ક્રિયામાં ભાવમન ઉપાદાન છે અને દ્રવ્યમન નિમિત્તમાત્ર છે. ભાવમનવાળા પ્રાણી મોક્ષના ઉપદેશ માટે લાયક છે. તીર્થંકર ભગવાન કે સમ્યગ્જ્ઞાનીઓ પાસેથી ઉપદેશ સાંભળી સંજ્ઞી મનુષ્યો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, સંજ્ઞી તિર્યંચો પણ તીર્થંકર ભગવાનનો ઉપદેશ સાંભળી સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, દેવો પણ તીર્થંકર ભગવાનનો તથા સમ્યજ્ઞાનીઓનો ઉપદેશ સાંભળી સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. નરકના કોઈ જીવને પૂર્વના મિત્રાદિ સમ્યગ્જ્ઞાની દેવ હોય તે ત્રીજી નરક સુધી જાય છે અને તેના ઉપદેશથી ત્રીજી નરક સુધીના જીવો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.

ચોથીથી સાતમી નરક સુધીના જીવો પૂર્વના સત્સમાગમના સંસ્કારો યાદ લાવી સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, તે નિસર્ગજ સમ્યગ્દર્શન છે; પૂર્વે સત્સમાગમના સંસ્કાર પામેલ મનુષ્યો, સંજ્ઞી તિર્યંચો અને દેવો પણ નિસર્ગજ સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે છે. ।। ૧૧।।